મુંબઈ-નૈરોબી વચ્ચે એરઈન્ડિયાએ શરૂ કરી સીધી ડ્રીમલાઈનર ફ્લાઈટ

મુંબઈ – કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાએ મુંબઈ અને કેન્યાના પાટનગર શહેર નૈરોબી વચ્ચે 787 ડ્રીમલાઈનર ફ્લાઈટ શરૂ કરી છે. આ ડાયરેક્ટ, નોન-સ્ટોપ ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ઓપરેટ કરવામાં આવી રહી છે.

નૈરોબી વન્યજીવન અને કુદરતપ્રેમી પર્યટકો માટે પસંદગીનું સ્થળ છે. વળી આને આફ્રિકાનું સફારી પાટનગર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જેમને જંગલો ઘૂમવાનો શોખ હોય તેઓ માટે નૈરોબી ઉત્તમ છે. નૈરોબીને પૂર્વ આફ્રિકાનું સૌથી પચરંગી શહેર તરીકે ગણવામાં આવે છે.

આફ્રિકા ખંડના આ શહેરને મુંબઈ સાથે કનેક્ટ કરવા માટે અને પોતાના ગ્રાહકોને પ્રવાસનો વધારે સારો અનુભવ કરાવવા માટે એર ઈન્ડિયાએ ડ્રીમલાઈનર ફ્લાઈટ ઓપરેટ કરવાનું નક્કી કર્યું છે.

આ ફ્લાઈટ દર અઠવાડિયે દર મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે મુંબઈ અને નૈરોબીથી ઉપડે છે.

અત્યાધુનિક અને લક્ઝરિયસ એવા 787 ડ્રીમલાઈનર વિમાનવાળી આ સેવા ગઈ 27 સપ્ટેંબરથી શરૂ કરી દેવામાં આવી છે.

એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે તેની આ નવી ફ્લાઈટ AI961 મુંબઈથી વહેલી સવારે 4.05 વાગ્યે ઉપડે છે અને નૈરોબી સવારે 7.30 વાગ્યે પહોંચે છે.

એવી જ રીતે, નૈરોબીથી ફ્લાઈટ AI962 અઠવાડિયાના એ જ દિવસોએ સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે ઉપડે છે.

વધુ વિગતો માટે એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરવી અથવા એરલાઈનના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરવો.