હવે સરકાર ઉપ્લબ્ધ કરાવશે ખેડુતોને ખેતી માટે મોંઘી મશીનરી…

નવી દિલ્હીઃ વર્ષ 2022 સુધી ખેડુતોની આવક બેગણી કરવા માટે કેન્દ્ર સરકારે તેમને ભાડા પર મોંઘી મશીનરી અને ઉપકરણો ઉપ્લબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલયે સીએચસી ફાર્મ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ પહેલા ટ્રેક્ટરના બુકિંગ માટે પણ એપ જાહેર કરવામાં આવી ચૂકી છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આ એપ દ્વારા ખેડુત પોતાના ખેતરના 50 કિલોમીટરના વિસ્તારમાં ઉપ્લબ્ધ ખેતીના ઉપકરણો મંગાવી શકશે. ભારતની ભાષાકીય વિવિધતાને જોતા આ એપને બહુભાષી બનાવવામાં આવી છે. આ એપ હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ઉપ્લબ્ધ છે. તોમરે કહ્યું કે મંત્રાલયે તમામ કૃષિ મશીનરી કસ્ટમ સેવા પ્રદાતાઓ અને ખેડુતોને એક મંચ પર લાવવા માટે એન્ડ્રોયડ પ્લેટફોર્મ પર મોબાઈલ ફોન પર એપ બનાવી છે.

કૃષિ પ્રધાને કહ્યું કે આ મોબાઈલ એપ્લીકેશન પર અત્યારસુધી 40 હજારથી વધારે કસ્ટમ હાયરિંગ સેન્ટર નોંધાયા છે. આમની પાસે 1.20 લાખ કરતા પણ વધારે ઉપકરણો ઉપ્લબ્ધ છે. કૃષિ પ્રધાને આશા વ્યક્ત કરી કે આનાથી અનેક ખેડુતોને મોટો લાભ થશે. આ ઉપકરણોના ઉપયોગથી ખેડુતોનો ખર્ચ ઓછો થશે, ઉપજમાં વધારો થશે અને તેમની આવકમાં પણ વધારો થશે.

જો કોઈ ખેડુતને કૃષિ યંત્રો પર છૂટ માટે અરજી કરવી છે, તો તે આ સીએસસી પર જઈને અરજી કરી શકે છે. અહીંયા ખેડુત પોતાની પસંદનું યંત્ર સીએસસી સંચાલકને જણાવી શકે છે, ત્યારબાદ સીએસસી સેન્ટર સંચાલક એક અરજી નંબર ખેડુતને આપશે. આ સાથે જ તે ખેડુત સાઈબર કેફે સહિતની જગ્યાઓ પરથી અરજી કરી શકે છે, જેના માટે ખેડુતને એગ્રી મશીનરી.ઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ બાદ આપે ભાષા પસંદ કરવાની રહે છે અને પછી નેક્સ્ટ સ્ટેપમાં સેવા પ્રદાતા અને ખેડુત અથવા ઉપયોગકર્તાની વિગતો આપવાની રહેશે.

સરકાર જરુરિયાતમંદ ખેડુતોને કૃષિ ઉપકરણ પ્રાપ્ત કરાવવા માટે સબસિડી આપવાની સુવિધા પણ આપી રહી છે. જો ખેડુત દ્વારા કૃષિ યંત્રનો જે ચાર્જ થાય છે તેની પૂરી ચૂકવણી કરી દેવામાં આવી છે તો, તે સબસિડીના પૈસા પોતાના ખાતામાં લઈ શકે છે. આ સીવાય તે દુકાનદારને આપવા ઈચ્છે છે તો, એક લેખીત અરજી આપવાની રહેશે અને સબસિડિના પૈસા દુકાનદારના ખાતામાં ચાલ્યા જશે. આ સીવાય ખેડુત અને દુકાનદારની સહમતિ પર સબસિડિના પૈસા કૃષિ યંત્ર નિર્માતા કંપનીના ખાતામાં પણ મોકલી શકાય છે.ખેડુતો માટે ઓનલાઈન અરજી માટે પોર્ટલ ઓપન કરી દેવામાં આવ્યું છે. જો કે કયા યંત્ર પર કેટલી છૂટ આપવામાં આવશે, તેની જાણકારી આપવામાં આવી નથી.