રેલવેનો જૂનો ડબ્બો બની ગયો ‘રેસ્ટોરન્ટ-ઓન-વ્હીલ્સ’

નાગપુરઃ મધ્ય રેલવેના નાગપુર વિભાગે ટ્રેનના એક જૂના ડબ્બાને એક રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરી દીધો છે. આ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ને નાગપુર રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવી છે.

આની તસવીરો ડિવિઝનલ રેલવે મેનેજર, નાગપુર, મધ્ય રેલવે તેમજ રેલવેના રાજ્યકક્ષાનાં પ્રધાન દર્શના જરદોશ અને રાવસાહેબ પાટીલ દાનવેએ તેમનાં ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

ગ્રાહકોને રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની બોગીમાં બેસીને રેસ્ટોરન્ટ જેવી જમવાની અનોખી મજા માણવા મળે છે. આ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ કોચની અંદર 40 ગ્રાહકોને બેસવાની ક્ષમતા છે. એનું ઈન્ટિરિયર સુંદર છે અને તે રેલવે પ્રવાસીઓ તથા સામાન્ય જનતા માટે ચોવીસ કલાક ખુલ્લી રાખવામાં આવે છે. ગ્રાહકોને ભારતની તેમજ કોન્ટિનેન્ટલ વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે.

આવી જ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ને 2021ના ઓક્ટોબરમાં મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી હતી.

(તસવીર સૌજન્યઃ @drmcrngp, @DarshanaJardosh, @raosahebdanve)