આવતા વર્ષે રૂ. એક લાખ કરોડના IPO બજારમાં આવશે

નવી દિલ્હીઃ દેશમાં પ્રાઇમરી માર્કેટમાં 2021માં મોટા રેકોર્ડ બન્યા હતા. કંપનીઓમાં IPO લાવવાની હોડ મચી છે. નવા વર્ષે 2022માં પ્રાઇમરી માર્કેટમાં આશરે રૂ. એક લાખ કરોડના IPO આવે એવી સંભાવના છે. ચાલુ વર્ષે એટલે કે 2021માં 65 ભારતીય કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.31 લાખ કરોડ એકત્ર કર્યા હતા, જે 2017ના રેકોર્ડ વર્ષની તુલનાએ 74.6 ટકા વધુ છે.

આ પહેલાં 2020માં 15 IPO દ્વારા રૂ. 26,613 કરોડ એકઠા કરવામાં આવ્યા હતા. એનો અર્થ એ થયો કે 2020ની તુલનામાં 2021માં IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમ 4.5 ગણી વધુ છે. આ પહેલાં 2017માં IPO દ્વારા રૂ. 68,827 કરોડ એકત્ર કરવાનો સૌથી સારો રેકોર્ડ રહ્યો હતો. જો એની સરખામણી 2021એ IPO દ્વારા એકઠા કરવામાં આવેલી રકમ આશરે બે ગણી છે.

હાલમાં આશરે 35 કંપનીઓએ આગામી વર્ષે આવનારા IPO માટે સેબી પાસે મંજૂરી મેળવી છે. આ IPO થકી કંપનીઓ રૂ. 50,000 કરોડ એકત્ર કરશે. એ સિવાય 33 કંપનીઓએ IPO લાવવા માટે અરજી દાખલ કરી છે. આ 33 કંપનીઓ IPO દ્વારા 60,000 કરોડ એકઠા કરવાની તૈયારી છે. એમાં LICનો IPO સામેલ છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં લોન્ચ થવાની અપેક્ષા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કમસે કમ અડધો ડઝન એવી કંપનીઓ છે, જે ડિસેમ્બરના અંતમાં સેબીમાં IPOની અરજી દાખલ કરવાની તૈયારીમાં છે.