પાંચ ચીની ઉત્પાદનો પર પાંચ-વર્ષ સુધી એન્ટીડમ્પિંગ-ડ્યૂટી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ચોક્કસ પ્રકારના એલ્યુમિનિયમમાંથી બનાવેલી ચીજવસ્તુઓ તથા કેટલાક રસાયણો સહિત પાંચ ચાઈનીઝ ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટીડમ્પિંગ જકાત નાખી છે. પડોશી દેશ ચીનમાંથી કરાતી સસ્તા દરની આયાતોના મારથી સ્થાનિક ઉત્પાદકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ વિભાગે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, ચીની બનાવટની આ પાંચ પ્રોડક્ટ્સ પર એન્ટીડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી છેઃ ચોક્કસ ફ્લેટ રોલ્ડ એલ્યુમિનિયમ ઉત્પાદનો, સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ (જે ડાઈ ઉદ્યોગમાં વપરાય છે), સિલિકોન સીલન્ટ (જે સોલર ફોટોવોલ્ટેક મોડ્યુલ્સ અને થર્મલ પાવર એપ્લિકેશન્સના ઉત્પાદનમાં વપરાય છે), હાઈડ્રોફ્લોરોકાર્બન (એચએફસી)નો ઘટક R-32 અને હાઈડ્રોફ્લોરોકાર્બન બ્લેન્ડ્સ (બંનેનો ઉપયોગ રેફ્રિજરેશન ઉદ્યોગમાં કરાય છે).

તપાસમાં માલૂમ પડ્યું છે કે ચીનમાંથી ચીજવસ્તુઓની આયાત સ્થાનિક બજારમાં પ્રવર્તતી વેચાણ કિંમત કરતાંય ઓછી કિંમતે ભારતમાં લવાય છે. આ રીતે દેશમાં ડમ્પ કરાતી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગને નુકસાન જાય છે. આંતરરાષ્ટ્રીય વેપારની ભાષામાં જ્યારે કોઈ દેશ કે કંપની સ્થાનિક બજારમાં કોઈ પ્રોડક્ટની કિંમત કરતાંય ઓછી કિંમતે જ્યારે એની નિકાસ કરે છે ત્યારે એને ડમ્પિંગ કહેવામાં આવે છે. ડમ્પિંગથી આયાત કરનાર દેશમાં તે પ્રોડક્ટની કિંમત પર માઠી અસર પડે છે. સ્થાનિક ઉત્પાદકોના માર્જિન અને નફા પર માઠી અસર પડે છે. એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી એક સંરક્ષણવાદી ટેક્સ છે, જે સ્થાનિક સરકાર વિદેશી આયાત પર લગાવે છે. ઘણા દેશોની સરકારો સ્થાનિક ઉત્પાદકોની સુરક્ષા ખાતર દેશની બજારોમાં ડમ્પ કરાતા વિદેશી ઉત્પાદનો પર મોટી રકમની ડ્યૂટી લાદે છે.