નવી દિલ્હીઃ રીલાયન્સ જિઓમાં આ વર્ષે નોકરીઓનો વરસાદ થવાનો છે. રીલાયન્સ જિઓ નાણાકીય વર્ષ 2018-19 માટે 75 હજારથી લઈને 80 હજાર નવી ભરતી કરવા જઈ રહ્યું છે. કંપનીના મુખ્ય માનવ સંસાધન ઓફિસર સંજય જોગે એક કાર્યક્રમ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે અત્યારે રીલાયન્સ જિઓમાં દોઢ લાખથી પણ વધારે કર્મચારીઓ કામ કરી રહ્યાં છે અને ચાલુ નાણાકીય વર્ષમાં 75 હજારથી વધારે કર્મચારીઓની ભરતી કરવાનું લક્ષ્ય છે.
અટ્રિશન રેટ મામલે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા જોગે જણાવ્યું કે સેલ્સ અને કંસ્ટ્રક્શન સાઈટ્સ સંબંધિત ટેક્નિકલ એરીયામાં આ 32 ટકા છે અને સરેરાશ લેવલ પર જોવા જઈએ તો આ માત્ર 18 ટકા જ રહી જશે.
સંજય જોગે જણાવ્યું હતું કે કંપનીની દેશભરના ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂશન્સ સહિત 6000 કોલેજો સાથે પાર્ટનરશિપ છે. તેમના જણાવ્યા અનુસાર આ કોલેજોમાં કેટલાક એવા કોર્સ ઓફર કરવામાં આવી રહ્યા છે કે જેને ક્લિયર કરવા પર વિદ્યાર્થી પોતે જ રીલાયન્સ કંપનીમાં ભરતી થવા લાયક બની જાય છે.
જોગે સૌથી મહત્વની જાણકારી આપતા જણાવ્યું હતું કે કંપની રેફરલ સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી કર્મચારીઓની ભરતી કરશે.