નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારનો દેશભરમાં 30 કરોડ જેટલા સ્માર્ટ મીટર લગાવવાનો પ્લાન છે. હકીકતમાં સરકાર વીજ ચોરી રોકવાના ઉદ્દેશ્યથી ત્રણ વર્ષમાં દેશના ઘરઘરમાં મીટર બદલવાની યોજના પર કામ કરી રહી છે. આ મીટરની ખાસિયત એ હશે કે તેને પહેલાં રિચાર્જ કરવા પડશે. આનાથી વીજળીની ચોરી બંધ થઈ જશે અને ઈમાનદાર લોકોને 24 કલાક વીજળી પણ નિશ્ચિતપણે મળી રહેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર આના માટે વીજળી મંત્રાલયે સ્માર્ટ મીટરના સપ્લાય માટે મેન્યુફેક્ચરર્સ સાથે ચર્ચા પણ શરુ કરી દીધી છો. જેનાથી દેખરેખમાં સુધાર થશે. આ યોજના અનુસાર સરકાર મીટરની કોસ્ટ પર સબસિડી આપવાની યોજના પણ બનાવી રહી છે.
શરુઆતી અનુમાનો અનુસાર સરકાર સ્માર્ટ મીટર પર 2000 રુપિયા પ્રતિ પીસ કોસ્ટ આવશે. આ પહેલાં વર્ષ 2017માં આપવામાં આવેલા 50 લાખ મીટરના ઓર્ડર પર પ્રતિ પીસ 2,503 રુપિયા કોસ્ટ આવી હતી. જો કે આ વખતે મોટો ઓર્ડર હોવાના કારણે કોસ્ટમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. જો કે વીજ મંત્રાલયે આ મામલે હજી કોઈ નિવેદન આપ્યું નથી.
વીજ મંત્રાલયના એક અધિકારી અનુસાર, તમામ મીટરને પ્રી-પેડ કરી દેવાથી વીજ વિતરણ કંપનીઓનો ખર્ચ ઓછો થઈ જશે અને ડિસ્કોમ સરળતાથી ખોટમાંથી ઉભરી આવશે. અત્યારે દેશમાં ઘણા રાજ્યોના ડિસ્કોમ ખૂબ ખોટમાં ચાલી રહ્યાં છે. આ કારણે ડિસ્કોમ પાસે વીજળી ખરિદવા માટે નાણાં નથી હોતાં.