અઝારબૈજાનના ઓઇલક્ષેત્રમાં હિસ્સો મેળવવા ONGC વિદેશના સમજૂતી કરાર

નવી દિલ્હીઃ ONGC વિદેશ લિ. (OVL) જાહેર ક્ષેત્રની 13મી નવરત્ન કંપની બની ગઈ છે. OVLને મિની રત્નમાંથી મહારત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. કંપનીએ અઝારબૈજાનમાં ઓફ્ફશોર અઝેરી ચિરાગ ગુનાશલી (ACG) ઓઇલ ફીલ્ડમાં 0.610 ટકા હસ્તગત કરવા માટે ઇક્વિનોર સાથે વેચાણના સમજૂતી કરાર (SPA) કર્યા છે. આ વેચાણના સમજૂતી કરારમાં કંપનીની માલિકીની સબસિડિયરી કંપની ONGC BTC લિ.ના માધ્યમથી બાકુ ત્બિલિસી સેહાન (BTC) પાઇપલાઇન કંપનીના 0.737 ટકાના શેરોનું સંપાદન પણ સામેલ છે. આ હસ્તાંતરણ આગામી મહિનાઓમાં પૂરું થવાની અપેક્ષા છે.

આ હસ્તાંતરણ માટે કુલ મૂડીરોકાણ 6 કરોડ (60 મિલિયન) ડોલર સુધી થશે. જોકે આ હસ્તાંતરણ ACG ફીલ્ડમાં કંપનીમાં હાલના 2.31 ટકા અને BTC પાઇપલાઇનમાં 2.36 ટકા શેરહોલ્ડિંગ વધારાનું છે. OVL એ ONGCની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની છે અને કંપની વિદેશમાં E&P (એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન)માં લાગેલી છે. આ સાથે જ દેશની સૌથી મોટી ઇન્ટરનેશનલ ઓઇલ એન્ડ ગેસ E&P કંપની છે, જેની 15 દેશોમાં 32 અસ્કયામતો છે. કંપનીએ કરેલું આ હસ્તાંતરણ એ કંપનીના વેપારના વ્યૂહાત્મક ભાગરૂપે ઊંચી ગુણવત્તાવાળી ઇન્ટરનેશનલ એસેટ્સને અને હાલના પોર્ટફોલિયોને અનુરૂપ છે.

નાણાકીય વર્ષ 2024માં OVLનું ઓઇલ અને ઓઇલ સમકક્ષ ગેસ (O+OEG)નું ઉત્પાદન 10.518 MMToe અને હાલમાં પ્રતિ દિન  બે લાખ બેરલ O+OEGનું ઉત્પાદન કરી રહી છે. BSE એક્સચેન્જ પર 18 જુલાઈએ કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 4,16,659 કરોડ હતું.