‘સેબી’નાં પ્રથમ મહિલા ચેરપર્સન બન્યાં માધબી પુરી-બુચ

મુંબઈઃ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નાં નવાં ચેરપર્સન તરીકે માધબી પુરી બુચની નિમણૂક કરવામાં આવી છે. માર્કેટ રેગ્યૂલેટરનાં અધ્યક્ષા તરીકે આ પહેલી જ વાર મહિલાની નિમણૂક કરવામાં આવી છે. એમની મુદત ત્રણ વર્ષ સુધીની અથવા વધુ આદેશ મળે ત્યાં સુધીની રહેશે. તેઓ અજય ત્યાગીનાં અનુગામી બન્યાં છે, જેમની મુદત આજે પૂરી થઈ ગઈ છે.

માર્કેટ રેગ્યૂલેટર ‘સેબી’નાં મહત્ત્વપૂર્ણ પદ પર આ પહેલી જ વાર ખાનગી ક્ષેત્રમાંથી કોઈ વ્યક્તિની પસંદગી કરાઈ છે. વળી, અત્યાર સુધી આ ટોચના હોદ્દા પર જાહેર ક્ષેત્ર અથવા અમલદારશાહીમાંથી કોઈ પુરુષની જ પસંદગી કરવામાં આવતી હતી. માધબી પુરી બુચે એમની કારકિર્દીનો આરંભ ICICI બેન્કથી કર્યો હતો. તેઓ 2009ના ફેબ્રુઆરીથી 2011ના મે સુધી ICICI સિક્યુરિટીઝમાં મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ પદ પર હતાં. 2011માં તેઓ સિંગાપોર ગયાં હતાં. ત્યાં એ ગ્રેટર પેસિફિક કેપિટલમાં જોડાયાં હતાં. માધબી બુચ અત્યાર સુધી સેબી સંસ્થામાં હોલટાઈમ સભ્ય હતાં. અગાઉ તેઓ શાંઘાઈમાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કમાં કાર્યરત હતાં.

માધબી બુચ નાણાં બજારોમાં ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. સેબી સંસ્થામાં પણ એમણે ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, કલેક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ સહિત અનેક પોર્ટફોલિયો સંભાળ્યા હતા.

માધબી બુચ અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A)માંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. 20 વર્ષમાં તેઓ અનેક ખાનગી બેન્કોમાં વિવિધ હોદ્દા પર કાર્યરત રહી ચૂક્યાં છે. તેઓ હિન્દુસ્તાન યૂનિલીવરના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ધવલ બુચનાં પત્ની છે. એમને એક પુત્ર છે.