નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની વીમા કંપની –ભારતીય જીવન વીમા કોર્પોરેશન- એલઆઇસીએ વ્યક્તિઓની લેપ્સ કે બંધ પડેલી પોલિસીઓને રિવાઇવ (પુનર્જીવિત) કરવા માટે બે મહિનાનું એક સ્પેશિયલ કેમ્પેન શરૂ કર્યું છે. જેની જાહેરાત એલઆઇસી દ્વારા 23 ઓગસ્ટ, 2021એ કરવામાં આવી હતી, જે 22 ઓક્ટોબર, 2021 સુધી ચાલશે. એલઆઇસીના જણાવ્યાનુસાર જેકોઈએ પણ કોઈ મજબૂરી કે કારણવશ પોતાની પોલિસી બંધ કરવી પડી છે, એને ફરીથી શરૂ કરવા માટે લેટ ફીમાં છૂટ આપવામાં આવી રહી છે.
એલઆઇસી અનુસાર સ્પેસિફિક એલિજિબલ પ્લાન્સને પહેલાં અનપેડ પ્રીમિયમની તારીખથી પાંચ વર્ષની અંદર રિવાઇવ કરી શકાશે. જોકે આ માટે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. જે પોલિસી પ્રીમિયમની ચુકવણીનો સમયગાળો પૂરો થઈ ચૂક્યો છે અને પોલિસીની મુદત પૂરી નથી થઈ. એ કેમ્પેનમાં રિવાઇવ કરવા માટે યોગ્ય છે. જોકે ટર્મ (એશ્યોરન્સ) વીમા પોલિસી અને હાઇ રિસ્કવાળી પોલિસીઓને આ કેમ્પેનમાંથી બહાર રાખવામાં આવી છે.
હાલની પરિસ્થિતિઓને જોતાં પોલિસીના અત્યાર સુધી ચૂકવાયેલા પ્રીમિયમને આધારે ટર્મ એશ્યોરન્સ અને હાઇ રિસ્ક યોજનાઓ સિવાય અન્ય પોલિસીના પ્રીમિયમમાં વિલંબિત પ્રીમિયમમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જોકે મેડિકલની જરૂરિયાતોમાં કોઈ રાહત આપવામાં આવી નથી. યોગ્ય આરોગ્ય અને માઇક્રો પ્લાન્સમાં પણ વિલંબિત ફી (પ્રીમિયમ) પણ છૂટછાટ માટે યોગ્ય છે, એમ એલઆઇસીએ કહ્યું હતું.
એલઆઇસીના રૂ. એક લાખ સુધીના પ્રાપ્ત પ્રીમિયમમાં વિલંબિત શૂલ્કમાં 20 ટકાની છૂટ અપાશે, પણ એ છૂટની રકમ રૂ. 2000થી વધુ નહીં હોય. એ જ રીતે રૂ. 1-3 લાખના કુલ પ્રાપ્ત પ્રીમિયમના વિલંબના શૂલ્કમાં 25 ટકા છૂટ, પણ છૂટની રકમ રૂ. 2500થી વધુ નહીં. હોય. એ જ રીતે રૂ. ત્રણ લાખથી વધુના કુલ પ્રાપ્ત પ્રીમિયમમાં શૂલ્કમાં 30 ટકાની છૂટની મંજૂરી છે, પણ એ છૂટની રકમ રૂ. 3000થી વધુ નહીં હોય.