નિર્મલાબેનનું નિર્મળ બજેટ સબળ પરિણામ આપે એવી આશા રાખીએ

અંદાજપત્ર વિકાસને કેટલો વેગ આપી શકશે?

બજેટ સ્પેશ્યલ – જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર)

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણનાં બજેટની એક ખાસિયત એ હોય છે કે તેમાં ન બહુ રાજી થઈ અતિ વખાણવા જેવું કંઈ હોય અને બહુ નારાજ થઈ અતિ દુઃખી થઈ જવા જેવું કંઈ હોય. આ વખતનું બજેટ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાંનું હોવાથી હોંશિયારીપૂર્વકનું અને સાવચેતીપૂર્વકનું રહ્યું. તેની અસલી તેમ જ લાંબાગાળાની અસરો બહાર આવતા થોડો સમય લાગી શકે, કિંતુ અત્યારે તો એકંદરે ન બહુ રાજી થવાનું, ન બહુ નારાજ થવાનું છે. જોકે સરકારે બજેટમાં સર્વસમાવેશ પર મુકેલો ભાર મહત્ત્વનો ગણી શકાય.

સમાજના દરેક વર્ગને કંઈકને કંઈક આપ્યું હોય અને કોઈની ઉપર પણ બોજ ન નાંખ્યો હોય એવા આ વખતના બજેટને સાર્વત્રિક આવકાર મળવો સહજ છે, જેને શેરબજારે તો આપ્યો જ, ફાઈનાન્સિયલ માર્કેટના વિવિધ નિષ્ણાંતોએ પણ આપ્યો છે. મોટાભાગના લોકોએ આ બજેટને નાણાં પ્રધાનનું અત્યારસુધીનું ઉત્તમ બજેટ કહયું છે. આ માટેના વિવિધ કારણો કે પરિબળોને યા જાહેરાતોને સમજવાનો પ્રયાસ કરીએ. જોકે ફેડરલ રિઝર્વની મીટિંગની ચિંતા અને અદાણી પ્રકરણના કારણે આખરે તો બજારે નોંધપાત્ર રિકવરીમાંથી કરેક્શનના શરણે જવું પડ્યું.

ફિસ્કલ ડેફિસિટ અંકુશ

બજેટે ચાલુ નાણાંકીય વરસ માટે બે મોટી બાબત એ જણાવી છે કે તે ફિસ્કલ ડેફિસિટને અંકુશમાં રાખી શકશે અને રેવન્યૂ મેનેજ કરી શકશે. બજેટે ફિસ્કલ ડેફિસિટનું ઘટાડીને ૫.૯ ટકાનું લક્ષ્ય રાખ્યું છે, જેને ૨૦૨૫-૨૬ સુધીમાં ચાર ટકા નીચે લઈ જવાનું ધ્યેય પણ સરાહનીય છે. બજેટે નિકાસ વધારવા અને ઉત્પાદન વધારવાના હેતુ સાથે ચોક્કસ આઈટમ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને સ્થાનિક ઉત્પાદકોને રાહત આપી છે તેમ જ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન ચાલુ રાખ્યું છે. આ સાથે ‘મેક ઈન ઈન્ડિયા’નું વર્તમાન બુસ્ટર સમાન પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્સ ચાલુ રહેશે. આર્થિક નીતિઓના સુધારાઓના સાતત્ય પર ભાર અને ફોકસ ચાલુ રહેશે.

કેપિટલ ખર્ચ-રોકાણ પર જોર

બજેટે જેની આશા અને જરૂર હતી એવા મૂડીખર્ચ વધારવા બાબતે ઉદારતા દાખવી છે અને આ વરસે દસ લાખ કરોડ રૂપિયા મૂડીખર્ચ માટે ફાળવવાનું નક્કી કર્યુ છે, જે જીડીપીના ૩.૩ ટકા જેટલું છે. આ ખર્ચ વધારો ૩૩ ટકા જેટલો છે. આને કારણે રોજગાર સર્જનને પણ બુસ્ટ મળશે. આ ઉપરાંત ખાનગી રોકાણ પ્રવાહ પણ વધે એવો તખ્તો તૈયાર કરાયો છે. રેલ્વેઝ માટે બજેટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે નવ ગણી વધુ છે. બજેટે ૧૦૦ ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પણ સ્થાપવાનું નક્કી કર્યુ છે. આ સાથે ૫૦ નવા એરપોર્ટ્સ, હેલિપોર્ટ્સ, વગેરેનો સમાવેશ થશે.

બજેટે આવતીકાલ માટેના શહેર તરીકેનો કન્સેપ્ટ વિકસાવવા સસ્ટેનેબલ સિટીઝ મિશન મુક્યું છે. જે અત્યાધુનિક સિટીસ હશે જ્યાં નવા યુગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અગાઉ સરકારે સ્માર્ટ સિટીઝની જાહેરાત કરી હતી, હવે આ નવું નામ અને નવું કામ પણ બને એવી આશા રાખીએ.

બિઝનેસ કરવાની સરળતા

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના વધુ અમલ માટે બજેટે આ વખતે ૩૯૦૦૦ કમ્પલાયન્સ ઓછાં કર્યા છે અને ૩૦૦૦ ક્રિમિનલ કમ્પલાયન્સ દૂર કરાયા છે. આ સાથે બિઝનેસ શરુ કરવા માટે એક માત્ર પૅન કાર્ડ (પરમેનન્ટ કાર્ડ)ને મુખ્ય દસ્તાવેજ ગણાવ્યું છે. વધુમાં કેવાયસી (નો યોર કસ્ટમર્સ)ની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી તેમ જ વન સ્ટોપ સોલ્યુશન સમાન બનાવી છે. એક મહત્ત્વની સરળીકરણની પ્રક્રિયાના ભાગરુપ બજેટે વિવિધ સરકારી એજન્સીઓને ફાઈલ કરાતા દસ્તાવેજો માત્ર એક અલગ પોર્ટલ પર ફાઈલ કરી શકાય એવી સુવિધા પણ ઓફર કરવાનું નક્કી કર્યુ છે. સરકારે નેશનલ ડેટા પોલીસી – ડેટા ગવર્નન્સ પોલીસીની જાહેરાતનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. વ્યક્તિની આઈડેન્ટિટી માટે ડીજી લોકર અને આધાર નંબરને મુખ્ય ગણાવ્યા છે. ૃફિનટેક સર્વિસીસમાં વધુ સર્વિસીસને સમાવવાનું નક્કી કર્યુ છે.

યુવા વર્ગ અને ગ્રીન ગ્રોથ, ટુરિઝમ

બજેટે આ વખતે પ્રવાસન ઉધોગને નવું ઉત્તેજન આપવા અને નવું સ્વરુપ આપવાનું વિચાર્યુ છે, કેમ કે આ સેક્ટરમાં સરકાર બહોળો અવકાશ જોઈ રહી છે. આ વિષયમાં સ્વદેશ દર્શન નામે ‘દેખો અપના દેશ’ના મેસેજ સાથે મિડલ ક્લાસ માટે તક ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગ્રીન ગ્રોથ પર ફોકસના ભાગરુપ બજેટમાં લાઈફસ્ટાઈલ, પર્યાવરણ, ઝીરો કાર્બન સુધી જવાની બાબતો આવરી લેવાનું ધ્યેય રાખ્યું છે. એનજી સિક્યોરિટી માટે ૩૫ હજાર કરોડ રૂપિયા અને એનર્જી ટ્રાન્ઝિસન માટે ૧૯૭૦૦ કરોડ રૂપિયા ફાળવવાનું નકકી કર્યુ છે. યુવા વર્ગ પર ફોકસ કરવા માટે સરકારે વધુ જોર આપવાનું નક્કી કરીને તેમને ‘અમૃત પીઢી’ ગણાવી છે. તેમની માટે ન્યુએજ કોર્સિસ રજૂ કર્યા છે, જેમાં તેઓ સ્કિલ ઈન્ડિયા ઉપરાંત ગ્લોબલ લેવલે પણ સક્ષમ બની શકે એ માટે કોડિંગ, ડ્રોન્સ, થ્રી ડી પ્રિન્ટિંગ, વગેરે જેવા કોર્સ પણ ઓફર કરવાનું નક્કી કર્યુ છે.

ગાંધીનગરના ગિફટ સિટીના વધુ વિકાસ અર્થે ત્યાં રેગ્યુલેટર્સને વધુ સત્તા આપવા તેમ જ ઉદારીકરણ અને સરળીકરણના અમલને પ્રોત્સાહન આપવાનું ધ્યેય રાખ્યું છે, જે વિકાસમાં સહભાગી બનશે. વિદેશી રોકાણ આકર્ષવામાં પણ તેની ભૂમિકા રહેશે. સરકાર અહીં બેવડા નિયમન રાખવા માગતી નથી. જેથી આઈએફસીઆઈ રેગ્યુલેશનમાં સુધારા કરાશે તેમ જ સેબી અથવા આરબીઆઈ એક્ટમાં પણ સુધારા  થશે.

ઈન્વેસ્ટર્સ એજયુકેશન-પ્રોટેકશન

બજેટે બેન્કિંગ સેક્ટરમાં સુધારા સુચવ્યા છે તેમ જ શેર અને ડિવિડંડના રિક્લેઈમ માટે નવી સુવિધા આપીને રાહત પહોંચાડી છે. આ સંબંધી ઈન્વેસ્ટર એજયુકેશન એન્ડ પ્રોટેકશન (આઈઈપીએફ) એક્ટમાં સુધારા પણ થશે. સરકારે સેબીને રોકાણકારોમાં ફાઈનાન્સિયલ જ્ઞાન વધારવાની સૂચના આપી છે. આ માટે વિવિધ સ્તરે ડિગ્રી કોર્સ, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સિસ દાખલ કરાશે.

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા બજેટે તેમના આવકેવરાના લાભ સાત વરસને સ્થાને વધારીને દસ વરસ સુધી કર્યા છે. આ માટે ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીની મુદત રહેશે. આ ઉપરાંત બજેટે કૃષિલક્ષી સાહસિકોને પણ વિશેષ રાહત આપવાનું નક્કી કર્યુ છે. બજેટે ગોલ્ડ અને સિલ્વરની આઈટમ્સ પર આયાત ડ્યુટી વધારી છે, જે  સરકારનો કરન્સી પરનો બોજ હળવો કરશે એવી આશા છે. જ્યારે કે ઈલેકટ્રોનિક ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં રુપાંતર પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ થશે નહીં.

અદાણીની અસર અકબંધ

શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ યા અન્ય કોઈ બોજ વધાર્યો નથી, કિંતું કોઈ નક્કર રાહત પણ આપી નથી. જેને ‘નો ન્યૂજ ઈસ ગુડ ન્યુઝ’ માનવામાં આવે છે. શેરબજારે બજેટને વિકાસલક્ષી ગણ્યું હોવાનું પ્રતિત થાય છે, કારણ કે બજેટની જાહેરાત સાથે અને ખાસ કરીને નાણાં પ્રધાનનું વક્તવ્ય પુરું થયા બાદ ઈન્ડેક્સે  ઊંચાઈ તરફ ગતિ વધારી હતી. કિંતુ બજાર બંધ થતી વખતે પ્રોફિટ બુકિંગ આવી ગયું અથવા લોકોને બજેટમાં નક્કરતાનો અભાવ લાગતા તેમ જ યુએસ ફેડરલ રિઝર્વની ચિંતામાં કરેક્શન આવતું ગયું અને સેન્સેક્સ માત્ર દોઢસો પોઈન્ટ પ્લસ બંધ રહ્યો અને નિફ્ટી તો માઈનસ બંધ રહ્યો. જોકે અદાણીના મોટાભાગના સ્ટોક્સના દુઃખના દિવસો બજેટના દિવસે પણ ચાલુ રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]