નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પ્રારંભિક નવ મહિનામાં કોટક મહિન્દ્રા બેન્કમાં સૌથી વધુ બેન્ક છેતરપિંડીની 642 ઘટનાઓ નોંધાઈ છે. આ છેતરપિંડી રૂ. એક લાખ કે તેથી વધુની કરવામાં આવી હતી, એમ સંસદમાં માહિતી આપવામાં આવી હતી. એ પછી ICICI બેન્કમાં અને ઇન્ડસઇન્ડ બેન્કમાં અનુક્રમે 518 અને 377 છેતરપિંડીના કિસ્સાઓ નોંધાયા હતા. જોકે RBI દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો અને નિયમોના પાલનથી આ છેતરપિંડની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રિઝર્વ બેન્કે છેતરપિંડીને અટકાવવા માટે નિયમો અને પ્રક્રિયામાં અનેક સુધારા કર્યા છે, જેથી છેલ્લાં પાંચ વર્ષમાં છેતરપિંડીની રકમમાં ઘટાડો થયો હતો, એમ નાણાં રાજ્યપ્રધાન ભગવત કરાડે લોકસભામાં માહિતી આપી હતી.
કોટક મહિન્દ્રા બેન્કમાં છેતરપિંડીની ઘટનાઓ વધી છે અને નાણાં વર્ષ 2017માં એ સંખ્યા 135 હતી, જે 2018માં વધીને 289, 2019માં 383, 2020માં 652 અને 2021માં 826 થઈ ગઈ હતી. આ સાથે RBIએ આપેલા ડેટા મુજબ 2021-22માં એપ્રિલથી ડિસેમ્બરમાં કોટક મહિન્દ્રા બેન્કમાં છેતરપિંડીની ઘટનાઓ 642એ પહોંચી હતી.
બીજી બાજુ, ICICI બેન્કમાં નવ મહિનાના સમયગાળામાં રૂ. એક લાખથી વધુની છેતરપિંડીની સંખ્યા 518 હતી. એ પછી ઇન્ડસઇન્ડ બેન્કમાં 377, એક્સિસ બેન્કમાં 235, સ્ટેટ બેન્કમાં 159 અને HDFC બેન્કમાં 151 છેતરપિંડીની ઘટનાઓ બની હતી.
દેશની સૌથી મોટી બેન્ક SBIમાં છેલ્લાં ત્રણ વર્ષમાં છેતરપિંડીની ઘટનાઓમાં ઘટાડો થયો છે. નાણાં વર્ષ 2017માં 751 ઘટનાઓ બની હતી, જ્યારે 2018માં 923, 2019માં 931, 2020માં 673 છેતરપિંડીની ઘટનાઓ બની હતી. બેન્ક છેતરપિંડીની તપાસ માટે વ્યાપક પગલાં લેવામાં આવ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.