મુંબઈઃ ભાગેડુ કારોબારી વિજય માલ્યાની માલિકીનું ખાનગી જેટ વિમાન આખરે વેચાઇ ગયું છે. એક અંદાજ મુજબ આ જેટની કીમત 100 મિલિયન ડૉલર હતી પરંતુ લીલામીમાં એક અમેરિકન ફર્મે તેને ખૂબ સસ્તામાં ખરીદી લીધું છે.શુક્રવારે થયેલી લીલામી પ્રક્રિયામાં માલ્યાનું આલિશાન જેટ ફ્કત 34.8 કરોડમાં વેચાઇ ગયું છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ માલ્યાનું જેટ વેચવાની પ્રક્રિયા શરુ થઇ હતી જેમાં ચોથીવારના પ્રયત્નમાં જેટ વેચાઇ શક્યું છે. વિજય માલ્યાના ખાનગી માલિકીના જેટનો રજિસ્ટ્રેશન નંબર પણ વીઆઈપી A-319-133C-VT_VJM MSN 2650 હતો. તેમાં VJMનો મતલબ વિજય માલ્યાછે.
આ જેટ ખરીદનાર અમેરિકાની એવિએશન ફર્મ છે એવિએશન મેનેજમેન્ટ સેલ્સ. જેટ ખરીદવા માટે અમેરિકન ફર્મે 5.05 મિલિયનની બોલી લગાવી હતી. આ રકમ ગઇવખતે સર્વિસ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા કરાયેલી ઇ-લીલામીમાં બોલાયેલી રકમથી ઘણી વધુ હતી. લીલામીની શરુઆતે જ 1.9 મિલિયન ડૉલરની બોલી લાગી હતી.આ લીલામી વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ પર બાકી સર્વિસ ટેક્સની વસૂલી માટે હતી. જાણકારોનું કહેવું હતું કે બેહદ આલિશાન અને કસ્ટમાઇઝડ ઇન્ટિરિયર અને લક્ઝરીથી ભરપુર આ જેટ અમેરિકન ફર્મને ખૂબ જ સસ્તામાં મળી ગયું છે. જોકે પાંચ વર્ષથી આ જેટ ગ્રાઉન્ડેડ હોવાના કારણે ખૂબ ઓછી બોલી લગાવાઇ હોવાનું પણ જણાવાયું હતું. આ જેટમાં 25 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર એકસાથે બેસી શકે છે. તેમાં એક બેડરુમ, બાથરુમ, બાર, કોન્ફરન્સ રુમ સાથે ઘણી સુવિધાઓ છે. આ જેટ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એપોર્ટ પર ખડું કરી દેવામાં આવેલું હતું જેને લઇને એરપોર્ટ ઓથોરિટીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી.