નવી દિલ્હીઃ નાણાંપ્રધાન અરુણ જેટલીએ બેંકોને જણાવ્યું છે કે ફ્રોડ અને વિલફુલ ડિફોલ્ટ્સની સ્થિતિમાં કડક વલણ અપનાવવામાં આવે. ઈકોનોમીની જરુરિયાતોને પૂરી કરવા માટે બેંકિંગ સીસ્ટમ પર ભરોસો પુનઃસ્થાપિત થવો જરુરી છે. જેટલી દિલ્હીમાં સરકારી બેંકોના પ્રમુખો સાથે મીટિંગ કરી રહ્યાં હતાં તે સમયે તેમણે આ વાત કરી છે. તેમણે બેઠકમાં બેંકોના વાર્ષિક પ્રદર્શનની સમીક્ષા પણ કરી હતી.
જેટલીએ જણાવ્યું કે યોગ્ય લોકોને લોન આપવા માટે બેંકોને યોગ્ય પગલાં ભરવાની જરુર છે. સાથે જ બેંકોને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ફ્રોડ અને વિલફુલ ડિફોલ્ટ કરનારા લોકોને કોઈપણ કાળે છોડવામાં ન આવે. નાણાંમંત્રાલયે એક ટ્વિટ દ્વારા બેંકર્સ સાથે નાણાપ્રધાનની મીટિંગની માહિતી આપી. આ મીટિંગમાં 21 સરકારી બેંકોના સીઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણાંપ્રધાને ક્રેડિટ ગ્રોથ, રિકવરી, ફાઈનાંશિયલ ઈન્ક્લૂઝન અને સુધારાઓ અંગે પણ વાત કરી હતી.
આ મીટિંગમાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, કૈનરા બેંક, પંજાબ નેશનલ બેંક સહિત ઘણી સરકારી બેંકોના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોનો એનપીએ સતત વધી રહ્યો છે. આ બેંકોએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 36,551 કરોડ રુપિયાની રીકવરી પણ કરી. આમાં ગત ત્રિમાસિક ગાળાના મુકાબલે 49 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકિય વર્ષ 2017-18માં બેંકોએ કુલ 74,562 કરોડ રુપિયાની રીકવરી કરી હતી.
સરકારી બેંકોને ગત નાણાકીય વર્ષમાં કુલ 87,357 કરોડ રુપિયાની ખોટ આવી હતી. આમાં પંજાબ નેશનલ બેંકને નીરવ મોદી સ્કેમના કારણે સૌથી વધારે નુકસાન ભોગવવું પડ્યું હતું. પીએનબીને 12,283 કરોડ રુપિયાની ખોટ આવી હતી. દેશમાં 21 સરકારી બેંક છે જેમાં માત્ર ઈન્ડિયન બેંક અને વિજયા બેંકને ગત વર્ષમાં નફો થયો હતો.