બજેટ ગરીબલક્ષી, ગ્રામ્ય લક્ષી, ખેતી (ખેડુત) લક્ષી અને મધ્યમ વર્ગ લક્ષી સહિત ચુંટણીલક્ષી અને વિકાસલક્ષી પણ ખરું. આ બાબતને સમર્થન આપવા કમસે કમ આટલા મુદ્દા જોઈ જવા જોઈશે.
ઈન્ટરિમ નાણાં પ્રધાનનું ઈન્ટરિમ બજેટ પહેલી નજરે ચુંટણીલક્ષી બજેટ લાગવું સ્વાભાવિક છે, કિંતુ પુર્વગ્રહ રાખીને અને ચુંટણી આવી રહી છે એટલે સરકાર આમ જ કરશે , રાહતો જ આપશે એવી ધારણા મનમાં દ્ઢ કરીને બેઠાં હોય તો એ ધારણાઓને બાજુએ મુકી વિચારીએ તો આ બજેટને વિકાસલક્ષી બજેટ પણ કહી શકાય. ખાસ કરીને 2014 થી સરકાર જે કહેતી આવી છે, જે માર્ગ બનાવતી આવી છે, જે વિઝન દર્શાવતી રહી છે તેને ધ્યાનમાં લેતા બજેટ એ જ દિશામાં આગળ વધી રહયું હોવાનું પ્રતિત થાય છે.
આ દસ કારણો જોવા જોઈએ
સૌપ્રથમ આના દસ કારણ જોઈએ અને સમજીએ. પહેલું કારણ, બજેટને ગરીબલક્ષી, ગ્રામ્ય લક્ષી, ખેડુતલક્ષી બનાવાયું છે. જેમના લાભ અને રાહત માટે નાણાં પ્રધાને સંખ્યાબંધ પગલાં લીધા છે અને અનેક પગલાંના સંકેત આપ્યા છે. બીજું, મધ્યમ વર્ગને આવક વેરામાં રાહત આપી મોટું અને લાંબા ગાળાનું પ્રોમિસ પુરું કર્યુ છે. પાંચ લાખની વાર્ષિક આવક સુધી ટેકસ રિબેટ આપી દઈ મોટી રાહત આપવા ઉપરાંત નાણાં પ્રધાને દોઢ લાખ સુધીના રોકાણ પરની કર રાહત, સ્ટાન્ડર્ડ ડિડકશન, તેમ જ મેડિકલેઈમ, નેશનલ પેન્શન સિસ્ટમ સહિતની રાહત ગણતરીમાં લેવામાં આવે તો અંદાજે આઠેક લાખ રૂપિયા સુધીની રકમ કરમુકત થઈ જવાની આશા છે. મધ્યમ વર્ગ (વેપારી હોય કે પગારદાર વર્ગ) ને આ બહુ નોંધપાત્ર રાહત કહી શકાય. ત્રીજું, ખેડુતોની આવક બમણી થાય એ માટે સરકારે પોતાના વચન મુજબ કદમ આગળ વધાર્યા છે, જેમાં 22 જેટલા પાક પરની મિનિમમ સપોર્ટ પ્રાઈસ પચાસ ટકા વધારી આપી છે. આ સાથે નાના ખેડુતો , જેમની જમીન બે હેકટર સુધીની છે, તેમને ખાતામાં વરસે છ હજાર રૂપિયા સીધા જમા થાય એવી જોગવાઈ કરવાની જાહેરાત કરી છે. આ રૂપિયા 2-2-2 હજારના ત્રણ હપ્તામાં સીધા જમા થશે. સરકારે ખેડુતલક્ષી નીતિ બનાવવાનું લક્ષ્ય ભારપુર્વક વ્યકત કર્યુ છે. ચોથું, હેલ્થ કેર માટે સરકારે આયુષમાન ભારતને વધુ વ્યાપક અને નકકર બનાવવા પર પણ જોર આપ્યું છે. પાંચમું, સ્વચ્છતા અભિયાન હવે રાષ્ટ્રિય આંદોલન બની ગયું છે, જેને સરકારે આગળ જતા વધુ શકિતશાળી અને સચોટ બનાવવા પર જોર આપ્યું છે. છઠઠું , ગ્રામ્ય લક્ષી અભિગમ સાથે સરકારે ઘેર ઘેર વીજળી , એલપીજી (ઉજવલા યોજના) પહોંચાડવાની યોજનાને વેગ આપવાનું પણ લક્ષ્ય દર્શાવ્યું છે અને તેના અમલ માટે જોગવાઈ કરી છે. મનરેગા માટે વધુ ફાળવણી કરી છે. સાતમું શહેરોમાં ઘરની સમસ્યા અને વિભકત પરિવારના ચલણને ધ્યાનમાં રાખી સરકારે બે ઘર સુધી કર રાહત આપી છે. આઠમું કિસાન ક્રેડિટ કાર્ડની યોજના હેઠળ અન્ય સમાન સ્તરના વર્ગને પણ આવરી લીધા છે. ગૌમાતા (રાષ્ટ્રિય કામઘેનુ આયોગ અને ગોકુલ મિશન) માટે વધુ ફાળવણી કરી છે તેમ જ પશુપાલન, માછીમારી માટે પણ રાહતો જાહેર કરી છે. નવમું, કામદાર વર્ગ માટે નેશનલ પેન્શન સિસ્ટમ, એમ્પલોયી ઈન્સ્યુરન્સ સ્કીમ, ગ્રેજયુઈટી વગેરેને વધુ ઉદાર બનાવાયા છે. દસમું, ઘરકામ કરતા વર્ગ માટે જેમની આવક મહિનાની 15 હજાર સુધીની છે, તેમને નિવૃતિ બાદ એટલે કે 60 વરસની ઉમંર બાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળે એવી સુવિધા કરી આપી છે. આ માટે આ વર્ગે મહિને માત્ર 100 રૂપિયા ફાળવવાના રહેશે. બિન-સંગઠિત ક્ષેત્રના આશરે 10 કરોડ લોકોને આનાથી લાભ થશે એવી આશા છે.
આ દસ વિઝન જાણવા જોઈએ
હવે સરકારના આગામી 12 વરસના અર્થાત 2030 સુધીના દસ વિઝનને જોઈએ. કારણ કે આ વિઝન જ દર્શાવે છે કે સરકાર દેશને કઈ દિશામાં આગળ લઈ જવાનું લક્ષ્ય રાખે છે. આ વિઝન પરથી ખ્યાલ આવી શકે છે કે આ બજેટ ચુંટણીલક્ષી હોવાછતાં તેને માત્ર ચુંટણી લક્ષી કહી શકાય નહિ.
પહેલું વિઝન, સરકાર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની જેમ ઈઝ ઓફ લિવીંગ પણ બનાવવા માગે છે, જેથી આગામી વરસોમાં ફિઝિકલ અને સોશ્યલ ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ પર ધ્યાન અપાશે. બીજા વિઝન સ્વરૂપે રોડ, રેલ્વે,એરપોર્ટ, અર્બન વિકાસ , ઈન્લેન્ડ વોટરવેઝ, બધાંને ઘર, સ્વચ્છતા, વિજ્ઞાન અને શિક્ષણ પર ફોકસ વધારાશે. ત્રીજા, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત બધાંજ સેકટરમાં ડિજિટલ ઈન્ડિયા પર જોર અપાશે. જેમાં રોજગાર સર્જનનો પણ સમાવેશ થશે.ચોથા, પોલ્યુશન ફ્રી ઈન્ડિયા બનાવવા માટે સરકાર આવશ્યક પગલાં લેશે, જેના ભાગરૂપ ઈલેકટ્રિકલ વાહનો લવાશે, પરિણામે એનર્જી -ટ્રાન્સપોર્ટ રિવોલ્યુશન થશે. દેશની ગેસ અને ક્રુડની આયાત ઘટશે, વિદેશી હુંડીયમાણ બચશે. પાંચમા વિઝનમાં સરકાર ગ્રામ્ય ઔધોગિકરણ વધારશે, ગામના લોકોને શહેર જેવી સુવિધા પ્રાપ્ત થાય એવી યોજના અમલમાં મુકાશે. છઠા વિઝનમાં નદીઓને સ્વચ્છ કરવાની ઝુંબેશ ચાલશે, જેમાં સિંચાઈને લાભ થાય, લોકોને પીવાનું શુધ્ધ પાણી મળે એવું બનશે. સાતમા વિઝન તરીકે સરકાર સ્પેસ પ્રોગ્રેમને વેગ આપશે. આઠમા, અનાજ ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવામાં આવશે. નવમાં વિઝનમાં સરકારનું લક્ષ્ય હેલ્ધી ઈન્ડિયા પર જોર આપશે, આયુષમાન ભારત સ્કીમ અને આધુનિક કૃષિ પર ભાર મુકાશે અને દસમાં વિઝનમાં સરકાર મિનિમમ ગવર્નમેન્ટ અને મેકસિમમ ગવર્નનન્સ વધારશે.
બજારની બજેટની ચિંતા ગઈ, હવે ચુંટણીની ચિંતા રહી
શેરબજારે શરૂમાં તો આ બજેટને વધાવી લીધું હતું અને માર્કેટે સાડા ચારસો પોઈન્ટ સુધી ઉછાળો પણ દર્શાવ્યો હતો. કિંતુ પછીથી તેમાં પ્રોફીટ બુકિંગ આવતું ગયું હતું, જેને લીધે માર્કેટમાં કરેકશન જોવાયું હતું. જો કે બજેટની આશાઓ પર આગલા દિવસે જ માર્કેટે સાડા છસો પોઈન્ટનો હેવી કુદકો માર્યો જ હતો , જેથી બજેટના દિવસે મોટી રિકવરી બાદ કરેકશન સહજ હતું. કિંતુ લાંબા ગાળે આ બજેટ બજારને બુસ્ટ આપશે એવું માની શકાય. અલબત્ત, આ માટે મોદી સરકારે ચુંટણી ની પરીક્ષામાંથી સફળતા પુર્વક પસાર થવાનું રહેશે.