બજેટઃ ખેડૂતો, કામદારોને શું અને કેટલો ફાયદો થયો?

નવી દિલ્હી – મોદી સરકાર વતી કાર્યવાહક નાણાં પ્રધાન પીયૂષ ગોયલે આજે જાહેર કરેલા વચગાળાના કેન્દ્રીય બજેટમાં ભારતીયો માટે કરેલી મુખ્ય જાહેરાતોઃ

ખેડૂતોને નિશ્ચિત આવકઃ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ દરેક ખેડૂતને દર વર્ષે 6,000 રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવશે, જે સીધા તેમના બૅન્ક ખાતામાં જમા કરાશે. આ ભંડોળ 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવનારાઓ માટે છે. તેનો અમલ ગત 1 ડિસેમ્બરથી શરૂ કરાયો છે અને તેનો 2,000 રૂપિયાનો પ્રથમ હપ્તો જમા કરવામાં આવશે. યોજનાનો લાભ 12 કરોડ નાના-મધ્યમ ખેડૂતોને થશે અને સરકારને તેનો ખર્ચ 75,000 કરોડ રૂપિયા આવશે.

10 કરોડ કામદારો માટે પેન્શનઃ

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન નામની મોટી પેન્શન યોજના જાહેર કરાઈ છે. તેમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની ઉંમર પછી મહિને 3,000 રૂપિયાનું નિશ્ચિત પેન્શન મળે એવી જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કામદારે દર મહિને 100 રૂપિયાનું માસિક યોગદાન આપવાનું રહેશે.

મધ્યમ વર્ગ-નોકરિયાતોને મોટી રાહતઃ

વ્યક્તિગત કરદાતાઓએ હવે 5 લાખ રૂપિયા સુધીની આવક પર કરવેરો ભરવો નહીં પડે. તેમાં 1.5 લાખ રૂપિયાની રોકાણની કરકપાતનો ઉમેરો કરવામાં આવે તો 6.5 લાખ રૂપિયા અને મેડિક્લેમ, હોમ લોન, નેશનલ પેન્શન યોજના, વગેરે કરકપાતનો લાભ લેવામાં આવે તો લગભગ 7.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહી શકે છે. સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે. ઉપરાંત, બીજા ઘર પરના નોશનલ ભાડા પર કરવેરો નહીં લાગે. ભાડાની આવક પર ટીડીએસની મર્યાદા 1.8 લાખથી વધારીને 2.4 લાખ કરવામાં આવી છે. ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટલ ડિપોઝિટ્સ, બૅન્ક સેવિંગ્સ ડિપોઝિટ, જેવી બચતો પર ટીડીએસની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 40,000 રૂપિયા કરવામાં આવી. તેને લીધે હવે બચતકર્તાઓ વધુ પ્રમાણમાં નાની બચતો કરવા પ્રેરાશે. કરવેરાની આ જોગવાઈઓનો લાભ ત્રણ કરોડ કરદાતાઓને મળશે. ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 10 લાખથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]