ઇન્ફોસિસે મુનલાઇટિંગ પર કર્મચારીઓને ચેતવણી આપી

નવી દિલ્હીઃ IT ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસે કર્મચારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ મુનલાઇટિંગ કરતા હશે તો તેમને કંપનીમાં કાઢી મૂકવામાં આવશે. કંપનીએ કર્મચારીઓને 12 સપ્ટેમ્બરે મોકલેલા ઇમેઇલમાં વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીનો ઉલ્લેખ પણ કર્યો છે, જેમણે એને છેતરપિંડી કહી હતી. HRએ જે ઇમેઇલ કર્મચારીઓને મોકલ્યો છે, એમાં લખ્યું છે કે યાદ રાખો- ટૂ ટાઇમિંગ નહીં-મુનલાઇટિંગ નહીં.

મુનલાઇટિંગનો અર્થ છે કે એકથી વધુ જગ્યાએ નોકરી કરવી. આ ઇમેઇલમાં કહેવામાં આવ્યું છે કે બે-બે નોકરી પર સખતાઈથી પ્રતિબંધ છે. આમાં મુનલાઇટિંગને વ્યાખ્યાયિત કરી છે. જેના મુજબ કામકાજના કલાકો દરમ્યાન અથવા એ પછી કોઈ અન્ય જગ્યાએ કામ કરવું-મુનલાઇટિંગ છે.

ઇન્ફોસિસ દ્વારા એમ્પ્લોયીઝને હેન્ડબુક અને કોડ ઓફ કન્ડક્ટ હેઠળ બે જગ્યાએ નોકરીને મંજૂરી નથી આપવામાં આવી. ઓફર લેટર મુજબ કંપનીની મંજૂરી વગર કોઈ પણ કર્મચારી ક્યાંય પણ ફુલ ટાઇમ જ નહીં, પણ પાર્ટ ટાઇમ પણ નોકરી નથી કરી શકતો. આવું કરવા પર કંપનીમાંથી કાઢી મૂકવામાં આવશે. કંપનીએ ઈમેઇલમાં ઉલ્લેખ કર્યો હતો કે IT કર્મચારીઓ માટે કંપનીને જણાવ્યા વિના બીજી નોકરી કરવી એ ઈમેઇલ વાંચવા જેટલી સરળ થઈ ગઈ છે, પણ એ આપણા બિઝનેસ માટે ગંભીર પડકારો ઊભા કરી શકે છે- જેમ કે ઉત્પાદકતા પર પ્રભાવ, નોકરીના પર્ફોર્મન્સ પર અસર, ડેટાનું જોખમ અને ખાનગી માહિતી લીક થવાનું જોખમ ઊભું કરે છે.