મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જણાવ્યા મુજબ, ભારતનું વિદેશી ઋણ જૂન, 2023ના અંતે સહેજ વધીને 629.1 અબજ ડોલર થયું હતું.
આ ઋણ માર્ચ મહિનાને અંતે 624.3 અબજ ડોલર હતું. આમ તેમાં 4.7 અબજ ડોલરનો વધારો થયો છે. યૂએસ ડોલર તથા યેન જેવી અન્ય મોટી કરન્સીઓના મૂલ્યમાં આવેલા ઉછાળાને પગલે ભારતનું વિદેશી ઋણ વધી ગયું છે. ભારતના વિદેશી ઋણમાં યૂએસ ડોલરના મૂલ્યનું વર્ચસ્વ રહ્યું છે. તે કુલ ઋણમાં 54.4 ટકાનો હિસ્સો ધરાવે છે. તે પછીના ક્રમે આવે છે ભારતીય રૂપિયા (30.4 ટકા), એસડીઆર (5.9 ટકા), યેન (5.7 ટકા) અને યૂરો (3.0 ટકા). એસડીઆર એટલે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ કોઈ કરન્સી નથી. તે આઈએમએફ સંસ્થાએ રચેલી એક ઈન્ટરનેશનલ રિઝર્વ એસેટ છે. તેનું મૂલ્ય દુનિયાના પાંચ મોટા ચલણોના એકત્રિત મૂલ્યના આધારે નક્કી કરાય છે.