મુંબઈ – લાંબા અંતરની રેલવે ટિકિટ બુક કરાવતી વખતે બધાયને એ જ ચિંતા સતાવતી હોય છે કે કન્ફર્મ્ડ ટિકિટ મળશે કે નહીં? કન્ફર્મ્ડ સીટ મળે એ માટે લોકો ખૂબ વહેલા, ઘણા તો ત્રણ-ત્રણ મહિના વહેલાથી જ એમનો પ્રવાસ પ્લાન તૈયાર કરે છે અને ટિકિટ પણ બુક કરાવી દેતા હોય છે.
કોઈ એજન્ટની મારફત તત્કાલ ટિકિટ બુક કરાવી શકાય છે, પણ એના માટે વધારે પૈસા ચૂકવવા પડે છે.
હવે લોકોની આ સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થાય એમ છે.
મુંબઈની એક સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે ટૂંક સમયમાં જ રેલવેની ટિકિટ બુક કરવાની પ્રવાસીઓની સમસ્યા દૂર થઈ શકે છે. આ સ્ટાર્ટઅપે Railofy નામની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે.
આ એપની ઓફર છે કે એની મારફત જો તમારી તત્કાલ AC ટ્રેન ટિકિટ કન્ફર્મ ન થાય તો સ્ટાર્ટઅપ તમને એ જ કિંમતમાં વિમાન પ્રવાસની ટિકિટ ઉપલબ્ધ કરાવી આપશે.
કોઈ ટ્રેન પેસેન્જરે કોઈ રેલવે પોર્ટલ પરથી કોઈ વેઈટલિસ્ટ કે RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ બુક કરાવી હોય તો એણે https://www.railofy.com/ ની વિઝિટ લઈને પોતાની ટિકિટનો પીએનઆર નંબર એન્ટર કરવો. રેલોફાય એના આધારે પ્રવાસીને રીફંડેબલ ટ્રાવેલ ગેરન્ટી ફીનો આંકડો બતાવશે. મતલબ કે પ્રવાસીએ તે ફી અથવા ચાર્જ ભરીને રજિસ્ટર થવાનું રહેશે. પ્રવાસી એ ફી ચૂકવશે કે રેલોફાય એને સફરની ગેરન્ટી આપશે. જો પ્રવાસીના રવાનગીના સમયે ટ્રેનની ટિકિટ કન્ફર્મ્ડ થઈ નહીં હોય તો (રેલવે ટિકિટની રકમનું રીફંડ આપશે), રેલોફાય એના યુઝરને અગાઉ નક્કી કરાયેલ કિંમતે (જે કિંમત ટ્રેનની તત્કાલ ટિકિટની જ હોય છે), એ કિંમત પર એને ફ્લાઈટની ટિકિટ પૂરી પાડશે. બુકિંગ થયા બાદ પણ રેલોફાય યુઝરને ટ્રાવેલ ગેરન્ટી ફી રદ કરવાની છૂટ પણ આપે છે.
હાલ આ એપને માત્ર મુંબઈ શહેર માટે જ શરૂ કરવામાં આવી છે. આ એપ પ્રવાસીઓને રેલવેની તત્કાલ ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. એપ પર પ્રવાસી રૂ. 50થી લઈને રૂ. 500 સુધીની રકમ ચૂકવીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ એપનો દાવો છે કે પ્રવાસીઓ આ એપ પર એક વાર રજિસ્ટર થઈ જાય એ પછી એમને તત્કાલ ટિકિટ બુક કરાવવાની સુવિધા મળશે.
સ્ટાર્ટઅપનું કહેવું છે કે તે ટૂંક સમયમાં જ એપને દેશભરમાં ઉપલબ્ધ કરાવશે.
આમ, સ્ટાર્ટઅપ કંપની પ્રવાસીને એની સફર પડતી ન મૂકી ટ્રેનને બદલે વિમાન દ્વારા એના ગંતવ્ય સ્થાને પહોંચવામાં મદદરૂપ થાય છે.
આને એક પ્રકારનો ટ્રાવેલ ઈન્શ્યૂરન્સ કરી શકાય. આ એપની સુવિધાને કારણે રેલવે પ્રવાસીઓને ટિકિટ કાઉન્ટર અને પ્લેટફાર્મ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. સાથોસાથ, એમણે કોઈ એજન્ટને ત્યાં ચક્કર પણ લગાવવા નહીં પડે.
રેલોફાયના સહ-સ્થાપક રિષભ સિંઘવીનું કહેવું છે કે અમારું બિઝનેસ મોડેલ ભારતીય રેલવેના પ્રવાસીની સફરના વીમા જેવું છે. પ્રવાસીઓએ એમની તત્કાલ ટિકિટને અમારી વેબસાઈટ પર કે એપ પર પ્રવાસી દીઠ રૂ. 50થી લઈને રૂ. 500નો ચાર્જ ચૂકવીને રજિસ્ટર કરાવવાની રહેશે. ધારો કે એમની તત્કાલ ટિકિટ કન્ફર્મ્ડ થઈ જાય તો તેઓ ટ્રેન દ્વારા જ એમના ડેસ્ટિનેશન ખાતે જઈ શકે છે, પરંતુ જો ટિકિટ કન્ફર્મ્ડ ન થાય, ટિકિટ વેઈટલિસ્ટેડ અથવા RAC હોય તો એમને રેલવે દ્વારા ટ્રેનની ટિકિટના પૈસાનું રીફંડ મળશે અને તો અમે એમને ફ્લાઈટની ટિકિટ પૂરી પાડીશું અને એમને 24 કલાકની અંદર સફરની ગેરન્ટી આપીશું.
રેલોફાય કંપની કોઈ પ્રવાસીની તત્કાલ ટિકિટ કન્ફર્મ્ડ થઈ ન હોય તો એના બોર્ડિંગ સ્ટેશનથી નિકટના એરપોર્ટ પરથી એને માટે ફ્લાઈટની વ્યવસ્થા કરી આપશે. હાલને તબક્કે રેલોફાયની સુવિધા માત્ર મુંબઈમાંથી AC તત્કાલ ટ્રેન ટિકિટ પર જ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં જ અમે એને ભારતભરમાં વિસ્તારવાના છીએ.
રેલોફાય કંપની તત્કાલ ટિકિટ ધરાવનાર ભારતીય રેલવે પ્રવાસીઓને કેવી રીતે ચાર્જ કરશે? એ સવાલના જવાબમાં સંઘવીએ કહ્યું કે અમારા ચાર્જિસનો આધાર રેલવે પ્રવાસીના વેઈટલિસ્ટ નંબર તથા એના ડેસ્ટિનેશન પર રહેશે.
આમ, જો કોઈ મુંબઈગરાને તાકીદની પરિસ્થિતિમાં ભારતીય રેલવે દ્વારા સફર કરવાની હોય, તો એ આ ટ્રાવેલ ટેક સ્ટાર્ટઅપનો સહારો લઈ શકે છે. કોને ખબર, એમની રેલવે તત્કાલ ટિકિટ કદાચ કોઈ ફ્લાઈટની ટિકિટમાં કન્વર્ટ થઈ જાય.
રેલોફાય સ્ટાર્ટઅપને મુંબઈમાં IIT મુંબઈ, IIM લખનઉ અને ISB (ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ)ના કેટલાક તેજસ્વી યુવાનોએ મળીને બનાવી છે.