નવી દિલ્હી: દેવામાં ડૂબેલી જાહેર ક્ષેત્રની કંપની એર ઈન્ડિયાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. આ વખતે એર ઈન્ડિયાની મુશ્કેલી એક અન્ય સરકારી કંપની ઈન્ડિયન ઓઈલને કારણે વધી છે. હક્કીતમાં, પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે બિલોની ચૂકવણી નહીં કરવા બદલ એર ઈન્ડિયાને ધમકી આપી છે. ઈન્ડિયન ઓઈલે કહ્યું કે, જો બાકી પૈસા ચૂકવવામાં ન આવ્યા તો મંગળવારે એટલે કે (16 જુલાઈ) સાંજથી કેટલાક એરપોર્ટ પર ઈંધણ સપ્લાયમાં ઘટાડો કરી દેવામાં આવશે. જો આમ થયું તો ઘણી ફ્લાઈટ સેવાને અસર થશે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને બાકીની ચૂકવણી નહીં થવાથી મંગળવાર સાંજે 4 વાગ્યાથી પટના, પુણે, ચંદીગઢ, કોચીન, વિશાખાપટ્ટનમ અને રાંચી જેવા અમુક એરપોર્ટ પર ઈંધણનો સપ્લાય બંધ કરવાની ધમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો પેટ્રોલિયમ કંપની પોતાની નોટિસ પર અમલ કરશે તો આ એરપોર્ટથી સંચાલિત થનારી ફ્લાઈટો પર અસર પડી શકે છે. આ વચ્ચે સમાચારો આયા છે કે, એર ઈન્ડિયાએ પોતાના ક્રૂ અને પ્રેષકને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આગામી ક્ષેત્ર માટે ઈંધણ લઈને ચાલવા જણાવ્યું છે. મહત્વનું છે કે, એર ઈન્ડિયા પર પેટ્રોલિયમ કંપનીઓ અને ઈન્ડિયન એરપોર્ટ ઓથોરિટી (AAI) સહિત અન્યના ઘણાં બાકી લેણા છે.
હાલમાં આવી રહેલા સમાચારો અનુસાર, સીવિલ એવિએશન મિનિસ્ટ્રીના હસ્તક્ષેપ બાદ ઈન્ડિયન ઓઈલના આ નિર્ણયથી એર ઈન્ડિયાને રાહત મળી છે. આ પ્રશ્ન હવે થોડા સમય માટે ઉકલ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો પેટ્રોલિયમ કંપની પોતાની નોટિસ પર અમલ કરશે તો આ એરપોર્ટથી સંચાલિત થનાર ફ્લાઈટ પર અસર પડી શકે છે.
હાલમાં જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સંસદમાં એક નિવેદનમાં એર ઈન્ડિયાને હવે ચલાવવી સંભવ નહીં હોવાનું જણાવ્યું છે. હરદીપ સિંહના કહેવા મુજબ, કંપનીને દરરોજ 15 કરોડ રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. તે 20 એરક્રાફ્ટના ઘટાડો સહન કરી રહી છે. એટલા માટે પરિસ્થિતિ સુધારવા અને ફરી વિનિવેશ કરવાની જરૂર છે. એર ઈન્ડિયાને આ નાણાંકીય વર્ષમાં 9,000 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી કરવાની છે.