ઈન્કમ ટેક્સ રિટર્ન સમયસર ફાઈલ કરી દેજો, નહીં તો દંડ ચૂકવવો પડશે કે જેલમાં જવું પડશે

મુંબઈ – નાણાકીય વર્ષ 2018-19માં મેળવેલી આવક સંબંધિત એસેસમેન્ટ વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ છે 31 જુલાઈ, 2019. જોકે અન્ય વર્ષોમાં થયું છે તેમ આ તારીખને કદાચ લંબાવવામાં પણ આવી શકે છે.

જોકે એ જાહેરાત કરાઈ તે પહેલાં, કરદાતાઓ માટે 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરી દેવાનું જરૂરી છે એવું કહી શકાય. જો તમે એ તારીખ ચૂકી જશો તો તમને રૂ. 10 હજાર સુધીનો દંડ થઈ શકે છે.

વ્યક્તિગત હિન્દુ અવિભાજીત પરિવારો અને જેમના ખાતાંના ઓડિટિંગની જરૂર નથી, અથવા જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી ઓછી છે એમને માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2019 છે.

કેટલો દંડ ભરવો પડશે?

જો કોઈ કરદાતા આખરી તારીખ સુધીમાં એનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરે તો એણે દંડ ચૂકવવો પડશે.

આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ 31 જુલાઈ, 2019 પછી 31 ડિસેંબર, 2019 સુધીમાં જે લોકો આઈટીઆર ફાઈલ કરશે એમણે રૂ. 5000નો દંડ ભરવો પડશે. જે લોકો 1 જાન્યુઆરી, 2020થી 30 માર્ચ, 2020 સુધીમાં આઈટીઆર ફાઈલ કરશે એમણે રૂ. 10 હજારનો દંડ ભરવો પડશે.

જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે એમણે લેટ ફાઈન તરીકે 1000 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે.

આવકવેરા વિભાગની થપ્પડ લેટ ફી વસુલ કરવા પર અટકતી નથી. બાકી રહેલા વેરા ઉપર વ્યાજ પણ લેવામાં આવશે. તમને અમુક ખોટ, જેમ કે કેપિટલ લોસ કે હાઉસ પ્રોપર્ટીમાંથી થયેલી આવક હેઠળની ખોટને નવા વર્ષમાં કેરી ફોરવર્ડ કરવા દેવામાં નહીં આવે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરનારને જેલમાં પણ મોકલી દેવામાં આવે એવું પણ બની શકે છે. જો વેરાની વસુલાતની રકમ 25 લાખથી વધારે હશે તો સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.

ટેક્સ રિટર્ન્સની ફોર્મેટમાં તેમજ માલિકો દ્વારા ઈસ્યૂ કરાયેલા ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) સર્ટિફિકેટ્સ તથા માલિકો દ્વારા આવકવેરા વિભાગને ફાઈલ કરાનાર ટીડીએસ રિટર્ન્સ માટેની ફોર્મેટમાં અમુક ફેરફારો કરાયા હોવાથી આઈટીઆર રિટર્ન ફાઈલિંગ માટે લોકોને વધારે સમય આપવા અને આખરી મુદત લંબાવવાનું આવકવેરા વિભાગ પર દબાણ છે.