નવી દિલ્હીઃ IMF ના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે ભારતીય જીડીપીમાં ઘટાડાની અસર આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેમનું કહેવું છે કે વિશ્વ અર્થવ્યવસ્થાની જીડીપીમાં જો ભારતીય અર્થવ્યવસ્થાની ભાગીદારીની વાત કરીએ તો આ કામ ખૂબ મહત્વપૂર્ણ છે. જો ભારતીય જીડીપીમાં ઘટાડો થાય છે તો તેની અસર આખી દુનિયાના આર્થિક વિકાસ પર પડશે. એટલા માટે અમે ગ્લોબલ ગ્રોથના અનુમાનને પણ 0.1 ટકા ઓછું કર્યું છે.
આનો એક મોટો ભાગ ભારતના ગ્રોથ રેટમાં ઘટાડાના કારણે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે ભારત સહિત વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પરિદ્રશ્યના પોતાના અનુમાનને ઘટાડ્યું છે. આ વૈશ્વિક સંગઠને આ સાથે જ વ્યાપાર વ્યવસ્થામાં સુધારાના મૂળભૂત મુદ્દાઓને પણ ઉઠાવ્યા છે.
તેણે ભારત સહિત કેટલીક ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં અચંબિત કરનારી નકારાત્મક વાતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષ 2019 માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 2.9 ટકા રહી શકે છે. વિશ્વ આર્થિક મંચ વાર્ષિક શિખર સમ્મેલનના ઉદ્ઘાટન પહેલા તાજા વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય પર જાણકારી આપતા મુદ્રાકોષે ભારતના આર્થિક વૃદ્ધિના અનુમાનને 2019 માટે ઓછો કરીને 4.8 ટકા કર્યો છે.
આઈએમએફના તાજેતરના અનુમાન અનુસાર વર્ષ 2020 માં વૈશ્વિક વૃદ્ધિ દર 3.3 ટકા પર પહોંચી જશે. ત્યારબાદ 2021 માં તે 3.4 ટકા રહેશે. આ પહેલા આઈએમએફે ગત વર્ષે ઓક્ટોબરમાં વૈશ્વિક વૃદ્ધિનું અનુમાન જાહેર કર્યું હતું. તેના મુકાબલે 2019 અને 2020 માટે તેના અનુમાનમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે 2021 ના વૃદ્ધિ અનુમાનમાં 0.2 ટકાનો ઘટાડો આવ્યો છે.