ભારતમાં 2022માં ‘મેલવેર’ હુમલાઓમાં 31 ટકા વૃદ્ધિ નોંધાઈ

નવી દિલ્હીઃ વર્ષ 2022માં ભારતમાં ‘મેલવેર’ કે સોફ્ટવેર સંક્રમિત (સાઈબર) હુમલાઓના પ્રમાણમાં 31 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એને કારણે કંપનીઓએ સુરક્ષિતતા માટેના એમના પ્રયાસો વધારી દીધા છે. અમેરિકા સ્થિત સાઈબર સિક્યુરિટી ઉપાયો પૂરા પાડતી કંપની સોનિકવોલ દ્વારા એક અહેવાલમાં આમ જણાવવામાં આવ્યું છે.

સોનિકવોલે એમ પણ કહ્યું છે કે ભારતમાં વર્ષ 2021ની સરખામણીમાં, 2022માં, ઈન્ટરનેટ માર્ગે ઘૂસણખોરીના પ્રયાસોમાં 10 ટકાનો વધારો  નોંધાયો હતો જ્યારે રેન્સમવેર હુમલાઓમાં તો 53 ટકાનો ઉછાળો આવ્યો હતો. તદુપરાંત ક્રિપ્ટો-જેકિંગ હુમલાઓમાં 116 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

સોનિકવોલના વાઈસ-પ્રેસિડેન્ટ દેબાશિષ મુખરજીનું કહેવું છે કે બીજા દેશોમાં ‘મેલવેર’ હુમલાઓની સંખ્યા ઘટી ગઈ છે, પણ ભારતમાં તે હજી પણ ચિંતાજનક રીતે ઊંચી છે.