ઇન્ડિયા INXમાં દૈનિક ટ્રેડિંગ ટર્નઓવરનો નવો રેકોર્ડ સર્જાયો

ગાંધીનગરઃ ગુજરાતના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીમાં આવેલા દેશના સૌપ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ  સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી)ના ઇન્ડિયા INXમાં તાજેતરમાં 16.86 અબજ યુએસ ડોલર (આશરે રૂ.1,23,706 કરોડ)નું ઓલટાઇમ હાઇ ટ્રેડિંગ ટર્નઓવર થયું હતું. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આટલા ટર્નઓવર સાથે એ ગિફ્ટ સિટી આઇએફએસસીનો 94 ટકા બજારહિસ્સો દર્શાવે છે.

ઇન્ડિયા INXમાં સતત ટર્નઓવર વધી રહ્યું છે, જાન્યુઆરી, 2021માં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં આગલા મહિનાની તુલનાએ 21 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ ટ્રેડિંગ ટર્નઓવર 1.71 ટ્રિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 1,25,46,698 કરોડ)નું થયું છે. ઈન્ડિયા INXમાં વધેલા કામકાજનું પ્રમાણ દર્શાવે છે કે બ્રોકિંગ અને અન્ય સહભાગીઓની સામેલગીરી વધી રહી છે અને એક્સચેન્જ તેમને આવશ્યક પ્રોડક્ટ્સ અને સર્વિસિસ પૂરી પાડી રહ્યું છે. વૈશ્વિક મહામારીના કાળમાં પણ એક્સચેન્જ 22 કલાક ચાલુ રહે છે. ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા INX  નંબર વન એક્સચેન્જ બની રહ્યું છે.