નવી દિલ્હીઃ ભારત સરકારે આજે દાવો કર્યો છે કે દેશ વર્ષ 2022-23માં દુનિયામાં સાકરનો સૌથી મોટો ઉત્પાદક બન્યો છે. ભારતે સાકરનું બ્રાઝિલ કરતાં પણ વધારે ઉત્પાદન કર્યું છે. દરમિયાન, સાકરની નિકાસ કરવામાં ભારતનો નંબર દુનિયામાં બીજો છે.
2018-19માં ભારતમાં સાકરનું ઉત્પાદન 332 લાખ મેટ્રિક ટન થયું હતું. ત્યારબાદ 2019-20માં 274 લાખ મેટ્રિક ટન, 2020-21માં 310 લાખ મેટ્રિક ટન અને 2021-22માં 335 લાખ મેટ્રિક ટન થયું હતું. ભારતમાં સાકરના ઉત્પાદનની સાથોસાથ નિકાસમાં પણ વધારો થયો છે. 2020-21માં 60 લાખ મેટ્રિક ટન સાકરની નિકાસનો લક્ષ્યાંક હતો, પણ 70 લાખ મેટ્રિક ટન સાકરની નિકાસ કરી શકાઈ હતી. વર્તમાન સાકર મોસમ – 2021-22માં 100 લાખ મેટ્રિક ટનની નિકાસના લક્ષ્યાંક સામે 90 લાખ મેટ્રિક ટનની નિકાસના કરાર પર સહીસિક્કા થઈ ગયા છે, 82 લાખ મેટ્રિક ટન સાકરને જુદી જુદી મિલમાંથી નિકાસ માટે મોકલી દેવામાં આવી છે અને 78 લાખ મેટ્રિક ટનની નિકાસ કરી દેવામાં આવી છે. દેશમાં 80 ટકા સાકરનું ઉત્પાદન મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બંદર આવેલા હોવાથી ત્યાંથી નિકાસ વધારે થાય છે.