નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યા કે, સરકાર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં ઘટાડા સહિત અન્ય ઉપાયો પર વિચાર કરી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારની પ્રાથમિકતા અર્થતંત્રને મજબૂતી આપવા માટે જરૂરી પગલા લેવા પર છે. કર વ્યવસ્થાને સરળ બનાવવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર નાણામંત્રીએ એક કાર્યક્રમ દરમ્યાન શનિવારે દેશભરમાં ડુંગળીની કિંમતોનાં સંદર્ભમાં કહ્યું કે, કેટલાક કિસ્સામાં કોઈ વસ્તુની કિંમત મોટા પ્રમાણમાં વધી જતી હોય છે પણ સવાલ એ છે કે, શું એનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. તેમણે કહ્યું ચર્ચા એ વાત પર થવી જોઈએ કે, શું ડુંગળીની વધેલી કિંમતોનો લાભ ખેડૂતો મળી રહ્યો છે કે નહીં.
વધુમાં તેમણે કહ્યું કે, એગ્રીકલ્ચરને બુસ્ટ આપવા અનેક કામ હાથ ધરવમાં આવ્યા છે. તેમ છતાં પુરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે કૃષિ ક્ષેત્રને નુકસાન થઈ રહ્યું છે. સીતારમણે નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓના સંદર્ભમાં કહ્યું કે, રિઝર્વ બેંક સતત તેમની હાલત પર નજર રાખી રહી છે અને નાણામંત્રાલય પણ એનબીએફસી કંપનીઓના સંપર્કમાં છે.
સરકાર જીએસટીને સુવ્યવસ્થિત કરવાની દિશામાં કામ કરી રહી છે. જીએસટીને ઉત્તમ કાયદો ગણાવતા કહ્યું કે, ભારત જેવા મોટા દેશોમાં આ પ્રકારની કર વ્યવસ્થાની જરૂર છે.