નવી દિલ્હીઃ મોટા ભાગના લોકો એવું જ સમજે છે કે LICની પોલિસીની નિર્ધારિત સમયગાળા પૂરી થયા પછી મેચ્યોરિટીની જે રકમ પોલિસીધારકને મળે છે, એના પર કોઈ ટેક્સ નથી લાગતો, પણ એવી વાત નથી. લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી (LIC) માટે ચૂકવાતું વાર્ષિક પ્રીમિયમ જો રૂ. પાંચ લાખથી વધુ હોય તો સાવધાન થઈ જજો.
આવકવેરા વિભાગ તરફથી જીવન વીમા પોલિસી માટે મળનારી મેચ્યોરિટીની રકમ કલમ 10 (10 D) હેઠળ ટેક્સમાં છૂટને લઈને નવા નિયમ નક્કી કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT)એ હાલમાં આ સંબંધમાં નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇન એ LIC પોલિસી માટે છે, જેમાં પ્રીમિયમની રકમ રૂ. પાંચ લાખથી વધુ છે અને એક એપ્રિલ, 2023 અથવા એના પછી જારી કરવામાં આવી છે. બજેટ 2023માં પ્રસ્તાવિત એ જોગવાઈ એક એપ્રિલ, 2023થી લાગુ થયા છે.
ફાઇનાન્સ બિલ, 2023 મુજબ LIC માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમની રકમ પોલિસીના સમયગાળા દરમ્યાન કોઈ પણ એક નાણાકીય વર્ષમાં રૂ. પાંચ લાખથી વધુ હશે તો વીમાધારકને એ પોલિસી માટે મળનારી મેચ્યોરિટીની રકમ ટેક્સેબલ એટલે કે કરપાત્ર ગણાશે, એટલે કે મેચ્યોરિટીની રકમ પર સેક્શન 10 (10D) હેઠળ ટેક્સમાં છૂટ નહીં મળે.
જોકે એક એપ્રિલ, 2023થી પહેલાં જેમણે LIC પોલિસી લીધી, તેઓ નવા નિયમના દાયરામાં નહીં આવે. યુલિપધારક પણ આ નિયમના દાયરામાં નહીં આવે. વળી, જો વીમાધારકની પોલિસીના સમયગાળા દરમ્યાન મોત થયું હશે તો નોમિની મળનારી રકમ કરપાત્ર નહીં ગણાય.