નવી દિલ્હીઃ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ચીનથી થઈ રહેલી આયાત મામલે કેન્દ્ર સરકારે હવે સખ્તાઈભર્યું વલણ અપનાવ્યું છે. વિદેશોથી પેકેજ્ડ ચીજવસ્તુઓની આયાત કરવાવાળી ઈ-કોમર્સ કંપનીઓ, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને માર્કેટિંગ એજન્સીઓની હવે ખેર નથી. હવે જો તેમણે માલસામાન પર કન્ટ્રી ઓફ ઓરિજિન (country of origin)ની જાહેરાત કરી નહીં હોય તો તેમને એક લાખ રૂપિયાનો દંડ લાગવાની શક્યતા રહેશે અને સાથે એક વર્ષની જેલની હવા પણ ખાવી પડે એવી શક્યતા છે.કન્ટ્રી ઓફ ઓરિજિનનો ઉલ્લેખ અનિવાર્ય
ગ્રાહક બાબતોના મંત્રાલયે એવી કંપનીઓની સામે કાર્યવાહી કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરી છે. ઓથોરિટી સ્વયં એવી માહિતી એકત્ર કરીને કેન્દ્ર સરકારના નિર્દેશ પર એવી કંપનીઓની સામે પગલાં લઈ શકશે. મંત્રાલયના વધારાના સચિવને ચીફ કમિશનર અને BISના ડિરેક્ટર જનરલને ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું છે કે તેમણે બધી ઈ-કોમર્સ કંપનીઓને અને રાજ્ય સરકારોને લખ્યું છે કે પેકેજ્ડ કોમોડિટીઝ રુલ્સ હેઠળ પ્રોડક્ટ પર કન્ટ્રી ઓફ ઓરિજિન (country of origin)નો ઉલ્લેખ અનિવાર્ય છે.
એક વર્ષની જેલની સજા
ગ્રાહકો બાબતોના મંત્રાલયના સચિવ લીના નંદને કહ્યું હતું કે જો કોઈ મેન્યૂફેક્ચરર અથવા માર્કેટિંગ કંપની એનું પાલન નહીં કરે તો પ્રથમ વાર એને 25,000 રૂપિયાનો દંડ લાગશે. બીજી વાર આવું કરવા પર 50,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યાર બાદ એક લાખ રૂપિયાનો દંડ અથવા એક વર્ષની જેલ અથવા બંને ભોગવવા પડે એવી શક્યતા છે. આ ઈ-કોમર્સ કંપનીઓ પર પણ લાગુ થશે, જો એમણે પોતાની વેબસાઇટ પર એની ડિટેઇલ ન બતાવી તો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બધા ઉત્પાદકો, આયાતકારો, પેકર્સ અને ઈ-કોમર્સ કંપનીઓની પ્રોડક્ટ પર કન્ટ્રી ઓફ ઓરિજિન ડિસ્પ્લે કરવાની જોગવાઈ જાન્યુઆરી, 2018થી લાગુ છે. સચિવે કહ્યું હતું કે DPIIT દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આ મુદ્દે ઈ-કોમર્સ કંપનીઓની સાથે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે અમે બધા એને લાગુ કરવા માટે સંમત છીએ. જો ઈ-કોમર્સ કંપનીઓ કાયદા મુજબ પોતાનાં ઉત્પાદનો પર કન્ટ્રી ઓફ ઓરિજિન (country of origin)ને ડિસ્પ્લે કરે છે તો ગ્રાહકોને નિર્ણય લેવામાં મદદ મળશે.