મુંબઈઃ અમેરિકામાં વ્યાજદરમાં મોટો વધારો કરવાનું વલણ યથાવત્ રહેવાનું નિવેદન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કર્યું, તેની અસર હેઠળ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે મોટો કડાકો બોલાયો હતો. બિટકોઇન 20,000 ડોલરની સપાટીની નીચે પહોંચી ગયો હતો.
પોવેલે ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં વ્યાજદર બાબતે સાવચેતીનું વલણ અપનાવવાનું કહ્યું હતું, તેથી શુક્રવારે અમેરિકન શેરબજારમાં પણ ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નાસ્દાક અને એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં 13 જુલાઈ બાદનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
ફેડરલ રિઝર્વના ચેરમેને કહ્યું હતું કે ફુગાવાને નાથવાની પ્રાથમિકતા છે. આથી થોડો સમય આકરી નીતિ ચાલુ રહેશે. તેનો અર્થ એવો થયો કે આ કેન્દ્રીય બેન્ક હવે સપ્ટેમ્બરમાં થનારી બેઠક વખતે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા છે.
આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.50 ટકા (2,044 પોઇન્ટ) ઘટીને 29,393 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,437 ખૂલીને 32,167 પોઇન્ટની ઉપલી અને 28,835 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. માર્કેટનું કેપિટલાઇઝેશન ઘટીને 1 ટ્રિલિયન ડોલરની નીચે ચાલ્યું ગયું હતું.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,437 પોઇન્ટ | 32,167 પોઇન્ટ | 28,835 પોઇન્ટ | 29,393 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 27-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |