ઈલેક્ટ્રિક-કાર માટે એપલ સાથે વાટાઘાટઃ હ્યુન્ડાઈનું સમર્થન

સોલઃ દક્ષિણ કોરિયાની અગ્રગણ્ય કાર ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર કંપનીએ સમર્થન આપ્યું છે કે દેશમાં ઈલેક્ટ્રિક કાર અને બેટરી બનાવવામાં પરસ્પર સહકાર માટે તે અને અમેરિકાની ટેક્નોલોજી કંપની એપલ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે અને તે પ્રારંભિક તબક્કામાં છે, હજી કંઈ પાકું થયું નથી. આમ છતાં, હ્યુન્ડાઈની આ જાહેરાત સાથે જ શેરબજારોમાં એનો શેર 20 ટકા જેટલો ઉછળ્યો છે.

એપલ કંપની તરફથી કોઈ ટીકાટિપ્પણ કરવામાં આવી નથી. બંને વચ્ચે ઈલેક્ટ્રિક કાર બનાવવા માટે વાટાઘાટ ચાલી રહી હોવાનો કોરિયા ઈકોનોમિક ડેઈલી અખબારમાં અહેવાલ આવ્યા બાદ હ્યુન્ડાઈ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એપલ કંપની સેલ્ફ-ડ્રાઈવિંગ ટેક્નોલોજીવાળી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદનના ક્ષેત્રમાં ઝંપલાવવાની છે અને તેની પહેલી પેસેન્જર કાર 2024માં માર્કેટમાં આવશે એવો ગયા મહિને પહેલો અહેવાલ આવ્યો હતો.