નવી દિલ્હીઃ દેશમાં હોળી-ધુળેટીની ધૂમ છે. હોળીના રંગોનું સૌથી મોટું બજાર છે. દેશમાં હોળીના રંગબિરંગી રંગ ખરીદવા લોકોની ભીડ છે. લોકોએ છેલ્લાં ત્રણ-ચાર વર્ષ કોરોના રોગચાળાને કારણે હોળીનો તહેવાર ઠીક રીતે ઊજવ્યો નથી, પણ આ વખતે હોળીના તહેવારને લઈને ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે હોળીના તહેવારને લઈને દિલ્હી સહિત દેશભરના વેપારીઓમાં એક નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે લોકો સામાન ખરીદી રહ્યા છે, એ જોતાં આ વખતે અંદાજ છે કે ગયા વર્ષની સરખામણીએ દેશભરના વેપારમાં 50 ટકાનો વધારો થશે. એકલા દિલ્હીમાં જ આશરે રૂ. 5000 કરોડના વેપારની સંભાવના છે.
દેશમાં હોળીના તહેવારે રૂ. 50,000 કરોડથી વધુના વેપાર થવાનો અંદાજ છે. જેનાથી ભારતીય અર્થતંત્રને નવું બળ મળશે. સામાન્ય રીતે હોળીમાં ગુજિયા, દહીંવડા, પકોડી, પકવાન જેવી ચીજવસ્તુઓ ખરીદે છે. આ ઉપરાંત મેદો સૂજી, ખાંડ, સૂકા મેવા, મસાલા વગેરેની પણ લોકો ખરીદે છે. હોળીના તહેવારે બાળકો માટે પિચકારી જરૂર ખરીદવામાં આવે છે. જોકે આ વખતે હોળીના માલસામાનને લઈને ચીનની ભાગીદારી નહીંવત્ છે. પાછલાં વર્ષોની જેમ ચીની માલસામાનનો જ માત્ર વેપારીઓએ જ નહીં પણ સામાન્ય લોકોએ બહિષ્કાર કર્યો છે. નાના વેપારીઓની સંસ્થા CAITનું કહેવું છે કે પહેલાં હોળીથી જોડાયેલા માલસામાનોની દેશમાં આયાત આશરે રૂ. 10,000 કરોડની થતી હતી, જે આ વખતે બિલકુલ નગણ્ય રહી છે.