નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC અને સૌથી મોટા ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેન્કની સાથે વિલીનીકરણ માટે તૈયાર છે. આ વિલીનીકરણ જૂન સુધી પૂરું થવાની અપેક્ષા છે. જોકે આ વિલીનીકરણ પછી HDFCના ગ્રાહક, ધિરાણકર્તા કે ડિપોઝિટર્સ કેટલાક ફેરફાર જરૂર જોશે.
HDFCની વેબસાઇટ અનુસાર એની પાસે આશરે 21 લાખ જમા એકાઉન્ટ છે. આવો જાણીએ વિલીનીકરણ પછી ડિપોઝિટર્સ માટે શું ફેરફાર થશે-
HDFC બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજદરો સામાન્ય રીતે હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC દ્વારા અપાતા વ્યાજદરોથી ઓછા રહ્યા છે. દાખલા તરીકે જો તમે HDFCમાં 66 મહિના માટે રૂ. બે કરોડથી ઓછા ડિપોઝિટ કરશો તો વાર્ષિક વ્યાજ 7.45 ટકા મળશે, પણ HDFC બેન્ક તમને સમાન સમયગાળા માટે સાત ટકા વ્યાજ આપશે.
HDFCમાં રિટેલ જમા માટે વ્યાજદર 6.95 ટકાથી આઠ ટકા હોય છે. HDFCમાં રિટેલ FDનો સમયગાળો 22 મહિનાથી માંડીને 120 મહિના સુધી હોય છે, જ્યારે HDFC બેન્કમાં રિટેલ જમાના વ્યાજદર ત્રણ ટકાથી 7.5 ટકા હોય છે. તમે કોઈ પણ કાર્યકાળ માટે પસંદ કરી શકો છો.
આ વિલીનીકરણ HDFC બેન્કના રૂપે ઓળખાશે, HDFCના ડિપોઝિટર્સ પોતાના પૈસા પરત લઈને ખાનગી ક્ષેત્રની બેન્ક સાથે જમા કરવાનો વિકલ્પ અપનાવી શકે છે. વળી, જે લોકોએ FD બુક કરતા સમયે ઓટો નવીનીકરણનો વિકલ્પ પસંદ કર્યો હશે, તેમને HDFC બેન્કનો વ્યાજદર મળશે. આ ઉપરાંત HDFC બેન્કનો સમયથી પહેલાં ઉપાડનો નિયમ અલગ છે.