નવી દિલ્હી- વસ્તુ અને સેવા કર (જીએસટી) કલેક્શન ફેબ્રુઆરીમાં ઘટીને 97,247 કરોડ રૂપિયા રહ્યું છે. આ પહેલાના મહિને 1.02 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ ઓછું છે. નાણાંમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 28 ફેબ્રુઆરી 2019 સુધીમાં વેચાણ રિટર્ન કે જીએસટીઆર-3બી ભરનારાની સંખ્યા 73.48 લાખ રહી હતી.
મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું કે, કુલ 97,247 કરોડ રૂપિયાના જીએસટીમાં કેન્દ્રીય જીએસટી(સીજીએસટી) કલેક્શનનો હિસ્સો 17,626 કરોડ રૂપિયા, જ્યારે રાજ્ય જીએસટી (એસજીએસટી) કલેક્શન 24,192 કરોડ રૂપિયા અને એકીકૃત જીએસટી (આઈજીએસટી) કલેક્શન 46,953 કરોડ અને 8476 કરોડ રૂપિયા રહ્યુ હતું.
વર્તમાન નાણાંકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં જીએસટીથી 10.70 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. સરકારે સંશોધિત અનુમાનમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં કુલ જીએસટી કલેક્શનનું લક્ષ્ય ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. જોકે, શરુઆતમાં બજેટમાં 13.71 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. સાથે આગામી નાણાંકીય વર્ષ માટે પણ 13.71 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શનનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.