ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન 14 મહિનાના ઉચ્ચસ્તર પર

નવી દિલ્હી- દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરના પ્રદર્શનમાં ફેબ્રુઆરી મહિનામાં મજબૂતી જોવા મળી રહી છે. વેચાણ, ઉત્પાદન અને રોજગારમાં વધારો થવાને કારણે ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા 14 મહિનાના સર્વાધિક સ્તર ઉપર પહોંચી ગયું છે. શુક્રવારે એક માસિક સર્વેક્ષણમાં આ તથ્યો બહાર આવ્યાં છે. જાપાનના સૌથી મોટા પબ્લીશિંગ હાઉસ નીક્કાઈ દ્વારા ભારતના ફેબ્રુઆરી મહિનાના પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI)ની જાહેરાત કરી.

પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ફેબ્રુઆરીમાં વધીને 54.3 અંક પર રહ્યો છે. જે જાન્યુઆરીમાં 53.9 અંક પર હતો. આ સતત 19મો મહિનો છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 50 અંકથી ઉપર રહ્યો છે. પીએમઆઈ 50 અંકથી ઉપર રહે તો ગતિવિધિઓમાં વિસ્તાર અને નીચે રહે તો, ગતિવિધિઓમાં ઘટાડો દર્શાવે છે.

સર્વે અનુસાર, ફેબ્રુઆરીના આંકડા ડિસેમ્બર 2017 બાદ કારોબારમાં સૌથી વધુ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. તો બીજી તરફ કારખાનાઓને મળેલા ઓર્ડરમાં આ સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જેથી ઉત્પાદન અને રોજગારમાં વૃદ્ધિ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018-19ના GDPનો અંદાજ ગત ગુરુવારે જ 7.2 ટકાથી ઘટાડી ૭ ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રના જ અલગ અંદાજ અનુસાર દેશમાં મેન્યુફેક્ચરિંગ ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલથી ડીસેમ્બરના ગાળા દરમિયાન 4.7 ટકા રહ્યું છે જે ગત વર્ષે 3.8 ટકા હતું એટલે કે માત્ર આંશિક સુધારો જ જોવા મળી રહ્યો છે.