નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી દળોની વધી રહેલી એકજૂટતા વચ્ચે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે જો 2019 લોકસભા ચૂંટણી બાદ દેશમાં ગઠબંધનની સરકાર બની તો અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે.
રઘુરામ રાજને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે દેશમાં ગઠબંધનની સરકાર બની તો વિકાસની ગતી સુસ્ત બની શકે છે. કોંગ્રેસની સરકાર આવવા પર તેમને નાણાપ્રધાન બનાવવામાં આવશે તે વાત પર રાજને કહ્યું કે હું કોઈ રાજનીતિજ્ઞ નથી. આ બધી માત્ર અટકળો છે. રાજને જીએસટીને યોગ્ય પગલું ગણાવ્યું તો નોટબંધીને ઝટકો ગણાવી.
રઘુરામ રાજનનું આ નિવેદન બીજેપીના નારા “દેશકો મજબૂર નહી મજબૂત સરકાર ચાહીયેની” સાથે મળતુ આવે છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં મહાગઠબંધન તૈયાર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપીએ હાથ મીલાવ્યા છે તો ગત દિવસોમાં બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગૈર એનડીએ દળોને પોતાના મંચ પર એકત્રિત કર્યા હતા.
રાજનૈતિક વિશ્લેષકોનું માનીએ તો જો બીજેપી અને તેના સહયોગી દળ 2014ની જેમ પૂર્ણ બહુમત ન લાવી શક્યા અને કોંગ્રેસની સ્થિતી પહેલાથી વધારે મજબૂત બની તો અન્ય દળો સાથે મળીને કોંગ્રેસ મોદીને સત્તાથી દૂર રાખવાના પૂરા પ્રયત્નો કરશે. 2014માં બીજેપીને પોતાના દમ પર બહુમતી મળી હતી અને આ જ કારણોસર સરકાર ઘણા આર્થિક સુધારાઓ પર દ્રઢતા પૂર્વક આગળ વધી શકી હતી.