નવી દિલ્હી – કેન્દ્ર સરકારે બાયોમેટ્રિક ID આધારને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ સાથે લિન્ક કરવા માટેની મહેતલને 6 મહિના, એટલે કે 30 સપ્ટેંબર, 2019 સુધી લંબાવી છે. આને કારણે ઘણા લોકોને રાહત થશે.
એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરાઈ છે.
તે છતાં, ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવા માટે આધાર નંબર આપવો ફરજિયાત જ રહેશે. સુપ્રીમ કોર્ટે આ માટે ઓર્ડર આપ્યો છે.
સરકારે વ્યક્તિઓ માટે એમના PAN કાર્ડને એમના આધાર કાર્ડ નંબર સાથે જોડવા માટેની ડેડલાઈન આ છઠ્ઠી વાર લંબાવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની કટ-ઓફ્ફ ડેટ સપ્ટેંબર 30, 2019 કરવામાં આવી છે.
CBDT દ્વારા જણાવાયું છે કે એવા અહેવાલો હતા કે જેમના PAN એમના આધાર નંબર સાથે 31 માર્ચ સુધીમાં લિન્ક કરવામાં આવ્યા નહીં હોય તે અમાન્ય ગણાશે. પરિણામે સરકારે વિચારણા કરી છે અને મુદતને 30 સપ્ટેંબર સુધી લંબાવી છે. જો કે 1 એપ્રિલ, 2019થી આવકવેરા રિટર્ન ફાઈલિંગ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના સપ્ટેંબરમાં કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય રીતે કાયદેસર ઘોષિત કરી હતી અને એવો ચુકાદો આપ્યો હતો કે ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવા અને PAN ની ફાળવણી કરવા માટે આધાર નંબર જોડવો ફરજિયાત રહેશે.