નીરવ મોદીની રોલ્સ રોયસથી ઈનોવા સુધીની કાર હરાજીમાં, ખરીદવી હોય તો…

નવી દિલ્હીઃ હીરા વ્યાપારી અને બેંક ગોટાળાના આરોપી નીરવ મોદીને ગત દિવસોમાં લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે.ત્યારે બીજીતરફ તેની મિલકત પણ વેચાણમાં મૂકવામાં આવી રહી છે.આવકવેરા વિભાગ દ્વારા નીરવ મોદીના પેંટિંગ્સની હરાજીથી 54.84 કરોડ રુપિયાની વસૂલાત બાદ હવે ઈડી આગામી 18 એપ્રિલના રોજ તેની 13 લક્ઝરી કારોની ઓનલાઈન હરાજી આયોજિત કરી શકે છે.

નીરવ મોદીની ગાડીઓની જો વાત કરીએ તો તેમાં રોલ્સ રોયઝ ઘોસ્ટ, પોર્શે પેનેમરા, 2 મર્સિડિઝ બેંઝની કાર, 3 હોન્ડાની કાર, ટોયોટા ફોર્ચ્યુનર અને એક ટોયોટા ઈનોવા કારનો સમાવેશ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ ગાડીઓનું વેચાણ કરીને કરોડો રુપિયાની વસુલી કરી શકાય છે કારણ કે આ તમામ ગાડીઓ સારી કન્ડીશનમાં છે.

આ ગાડીઓની નીલામીની જવાબદારી MSTC નામની કંપનીને આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આવકવેરા વિભાગની નીલામી એક પ્રાઈવેર્ટ ફર્મ દ્વારા આયોજિત કરવામાં આવી છે. જો તમે પણ નીરવ મોદીની ગાડીઓને ખરીદવામાં રસ ધરાવો છો, તો આપ પણ આ ગાડીઓની ખરીદી શકો છો.

જો કે અહીંયા મહત્વની વાત એ છે કે તમને આ ગાડીઓના ટેસ્ટ ડ્રાઈવ નહી મળે. વિભાગ દ્વારા નીલામીથી 1 સપ્તાહ પહેલા ગાડીઓની તપાસની મંજૂરી આપવામાં આવી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાડીઓની કીંમત, મોડલ, ફોટોઝ, અને દસ્તાવેજ સહિતની જાણકારી આવતા સપ્તાહમાં અધિકારીક વેબસાઈટ મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ પર આપવામાં આવી શકે છે. આ મામલે એક અધિકારીએ જાણકારી આપી છે કે આગામી 18 એપ્રિલના રોજ ગાડીઓની નીલામી થાય તેવી શક્યતાઓ છે. ગાડીઓના વેચાણ બાદ ખરીદદારોને રજિસ્ટ્રેશન સહિતના કામ માટે પણ સમય આપવામાં આવશે.