ગૂગલની અમેરિકાની સરકારને સલાહઃ ભારત જેવી UPI સિસ્ટમ અપનાવો

ન્યૂયોર્ક – ભારત સરકારની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમને ઉત્તેજન મળે એવા સમાચાર છે. ગૂગલ કંપનીએ અમેરિકાના ફેડરલ રિઝર્વ બોર્ડને પત્ર લખ્યો છે અને ભારતમાં શરૂ કરવામાં આવેલી અને સફળતાપૂર્વક ચાલી રહેલી UPI-આધારિત ડિજિટલ પેમેન્ટ પદ્ધતિનું ઉદાહરણ આપી એની વિગત એમાં જણાવી છે. ગૂગલે અમેરિકાની સરકારને કહ્યું છે કે તમે પણ ભારતની જેમ અમેરિકામાં એક નવી ઈન્ટરબેન્ક રીયલ-ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સર્વિસ (RTGS) એટલે કે ‘FedNow’ શરૂ કરો, જેથી અમેરિકામાં ડિજિટલ પેમેન્ટવાળા સોદાઓ વધારે ઝડપી બને.

આ પત્ર ગૂગલના અમેરિકા તથા કેનેડા માટેના સરકારી બાબતો તથા જાહેર નીતિ વિભાગના વડા માર્ક ઈઝાકોવિત્ઝે લખ્યો છે. એમણે લખ્યું છે કે અમે ભારતની બજારમાં ‘ગૂગલ પે’નું માળખું તૈયાર કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે ગાઢ સંપર્કમાં રહીને કામ કર્યું છે. NPCI ભારતીય રિઝર્વ બેન્કે નિમેલી પેમેન્ટ રેગ્યૂલેટર સરકારી એજન્સી છે.

NPCI એજન્સીએ 2016માં રિયલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ UPI શરૂ કરી હતી.

ગૂગલનું કહેવું છે કે ભારતમાં UPI ખૂબ વિચાર કર્યા બાદ શરૂ કરાઈ છે અને એની ડિઝાઈનને લગતા તમામ મહત્ત્વના પાસાંને કારણે આ સિસ્ટમને સફળતા મળી છે.

UPI એક ઈન્ટર-બેન્ક ટ્રાન્સફર સિસ્ટમ છે. હાલ એમાં 140 જેટલી બેન્કો સભ્ય બની છે. શરૂઆતમાં 9 બેન્કો જ હતી. વળી, આ રિયલ-ટાઈમ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ટેક્નોલોજી કંપનીઓ એમની પોતાની એપ્લિકેશન બનાવે છે જે યૂઝર્સને એમના બેન્ક એકાઉન્ટ્સમાંથી પૈસા સીધી રીતે જ મેળવવા કે ચૂકવવામાં મદદરૂપ થાય છે.

માર્ક ઈઝાકોવિત્ઝે આ પત્ર અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમના સેક્રેટરી એન મિસ્બેક તથા બોર્ડ ઓફ ગવર્નર્સને મોકલ્યો છે.

એમણે લખ્યું છે કે આ સિસ્ટમને ભારતમાં ખૂબ જ ઝડપથી અપનાવવામાં આવી છે. શરૂઆતમાં મહિનામાં એક લાખ સોદાઓ થતા હતા, પણ ત્યારબાદ એમાં સતત વધારો થતો ગયો અને 7 કરોડ 70 લાખ સોદાઓ થયા, પછી વધીને 48 કરોડ સોદાઓ થયા અને ચાર વર્ષ બાદ આજે એ આંકડો મહિને 1 અબજ 15 કરોડ પર પહોંચી ગયો છે.

ભારતમાં UPI મારફત સોદાઓનો રન રેટ ગજબનો વધી ગયો છે અને તે ભારતના જીડીપી આંકના 10 ટકા જેટલો છે. ભારતમાં લોકોને UPIનો ઉપયોગ કરાવવામાં ગૂગલ કંપની સફળ માર્કેટ હિસ્સેદાર બની છે. UPIનો ઉપયોગ કરતી 3 અગ્રગણ્ય મોબાઈલ એપ્લિકેશન્સમાંની એક ગૂગલ પે (Google Pay) છે.

ડેબિટ, ક્રેડિટ અને પ્રી-પેઈડ કાર્ડ્સનો ઉપયોગ છેલ્લા 3-4 વર્ષમાં ડબલ થઈ ગયો છે.

ગૂગલ પેના માસિક એક્ટિવ-યૂઝર્સનો આંકડો 3 ગણો વધી ગયો છે. ગયા વર્ષે આંકડો 2 કરોડ 20 લાખ હતો, જે આ વર્ષના સપ્ટેંબરમાં 6 કરોડ 70 લાખ હતો.

ભારતમાં, મોબાઈલ વોલેટ્સ ઉપર 1.04 અબજ સોદાઓ થયા હતા.

એસોચેમ સંસ્થાના એક અભ્યાસ અનુસાર, ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સનું પ્રમાણ, જે આ વર્ષે 64.8 અબજ ડોલર છે તે 2023માં વધીને 135.2 અબજ ડોલર થશે.