મુંબઈઃ ગૂગલ કંપનીએ તેની લોકપ્રિય નેવિગેશન સેવા ગૂગલ મેપ્સમાં એક નવા ફીચરનો ઉમેરો કર્યો છે જેને કારણે વાહનચાલકો કોઈ ચોક્કસ રૂટ પરથી નેવિગેશન કરતા હશે ત્યારે એમને દર્શાવશે કે એમની સફર દરમિયાન એમણે કયા કયા ટોલ નાકા પર અંદાજિત કેટલી રકમનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ ફીચર એન્ડ્રોઈડ અને iOS, બંને ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોન પર ઉપલબ્ધ છે. સફર દરમિયાન દુનિયાભરમાં કરોડો લોકો ગૂગલ મેપ્સ સેવાનો ઉપયોગ કરતા હોય છે. આ સેવાનું કામ હવે વાહનચાલકોને માત્ર રસ્તો બતાવવા પૂરતું સીમિત નહીં રહે, પણ એમને ટોલ ટેક્સની રકમની જાણકારી પણ આપશે. આને કારણે વાહનચાલકો સફર વધારે આસાન બની રહેશે. જોકે જે યૂઝર્સ ટોલ ટેક્સ ચૂકવવા માગતા ન હોય તેઓ વૈકલ્પિક રસ્તાની પસંદગી પણ કરી શકશે. એ માટે ગૂગલ મેપ્સમાં સેટિંગ્સમાં જઈને ‘અવોઈડ ટોલ્સ’ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
ગૂગલના જણાવ્યા મુજબ, તેણે ગૂગલ મેપ્સનું આ ફીચર અમેરિકા, ભારત, જાપાન અને ઈન્ડોનેશિયામાં આશરે 2,000 ટોલ માર્ગો માટે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં વધુ દેશોમાં પણ યૂઝર્સને આ ફીચર ઉપલબ્ધ કરાશે. આ નવા અપડેટ અનુસાર, ગૂગલ મેપ્સ વાહનચાલક-યૂઝરને કોઈ રૂટ પર ટોલ નાકું આવવાનું હશે તો એણે અંદાજે કેટલી રકમનો ટેક્સ ચૂકવવો પડશે એની તેને આગોતરી જાણ કરશે.