નવી દિલ્હીઃ દેશભરમાં અત્યારે TikTok નામની એપ ખૂબ લોકપ્રિય બની ગઈ છે અને આ એપના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. TikTok પર માત્ર યુવાનો જ નહી પરંતુ બાળકો અને વૃદ્ધો પણ વિડીયો બનાવીને શેર કરે છે. તો હવે ગુગલે ટીકટોકને ટક્કર આપવા માટે પોતાની એક શોર્ટ વિડીયો મેકિંગ એપ Tangi લોન્ચ કરી છે. જે ટીકટોકની જેમ જ એક શોર્ટ વિડીયો મેકિંગ એપ છે પરંતુ આને મનોરંજન માટે નહી પરંતુ ટ્યુટોરિયલ માટે લોન્ચ કરવામાં આવી છે.
Google Tangi એપની વાત કરીએ તો આને લોન્ચ કરવા પાછળ કંપનીનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન નથી પરંતુ આને એજ્યુકેશન અને ટ્યુટોરિયલની જેમ પણ ઉપયોગ કરી શકાશે. સામાન્ય ભાષામાં સમજીએ તો આ એપમાં આપ How To પ્રકારના વિડીયો બનાવીને શેર કરી શકો છો જે બીજા લોકો માટે ખાસ ઉપયોગી હશે. આ વિડીયોઝની મદદથી અન્ય યૂઝર્સ ઘણું નવું શીખી શકશે જ્યારે ટીકટોકનો ઉપયોગ માત્ર મનોરંજન પ્રદાન કરતા વિડીયોઝ બનાવવા માટે જ કરવામાં આવે છે.
Google Tangi અત્યારે એપલ યૂઝર્સ માટે આઈફોન અને વેબ વર્ઝન બન્ને પર ઉપ્લબ્ધ છે અને આને એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. અત્યારે ગુગલ પ્લે સ્ટોર પર આ એપ લિસ્ટ નથી કરવામાં આવી, પરંતુ આશાઓ રાખવામાં આવી રહી છે કે કંપની જલ્દી જ આને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપ્લબ્ધ કરાવી શકે છે.
યૂઝર્સ ટીકટોકની જેમજ 60 સેકન્ડનો વિડીયો બનાવીને શેર કરી શકે છે. પરંતુ આ વિડીયો એજ્યુકેશન એટલે કે યૂઝર્સને કંઈક નવું શિખવાડવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી છે. આમાં આપને રસોઈ, લાઈફસ્ટાઈલ, આર્ટ, ફેશન અને બ્યૂટી જેવી અલગ-અલગ કેટેગરિઝ મળશે, જેના આધાર પર આપ પોતાના વિડીયો બનાવી શકો છો.