યસ બેન્ક કટોકટી ડિજિટલ પેમેન્ટ્સમાં પણ અંધાધૂંધી સર્જશે

નવી દિલ્હીઃ યસ બેન્કમાં ઊભી થયેલી નાણાકીય કટોકટીને લીધે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ (વ્યવહારો)માં નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. હજી ગયા શુક્રવારે જ ઈ-કોમર્સ જાયન્ટ વોલમાર્ટની માલિકી ધરાવતી ફોન પે જેવી એપ્લિકેશન્સ પર વ્યવહારો કરવામાં યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અમે લાંબા આઉટેજની સમસ્યાથી દિલગીરી અનુભવીએ છીએ. અમારી ભાગીદાર બેન્ક યસ બેન્કને રિઝર્વ બેન્કે સર્વેલન્સ હેઠળ મૂકી છે. ગ્રાહકોને શક્ય એટલી ઝડપી સેવા આપવા માટે અમારી આખી ટીમ રાત-દિવસ કામ કરી રહી છે, એમ ફોન પેના સ્થાપક અને CEO સમીર નિગમે જણાવ્યું હતું. ફોન પેના યુઝર્સની સંખ્યા 17.5 કરોડ છે.

યસ બેન્કના ગ્રાહકોને જ મુશ્કેલીઓ નહીં, પણ અન્ય એપ યુઝર્સને પણ

યસ બેન્કમાં ઊભી થયેલી નાણાકીય કટોકટીને લીધે માત્ર બેન્કના ગ્રાહકોને જ નહીં, પણ અન્ય ગ્રાહકો- એપ યુઝર્સને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે  યસ બેન્ક ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. જાન્યુઆરીમાં કુલ 1.31 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા, જેમાંથી 51.4 લાખ ટ્રાન્ઝેક્શન્સ યસ બેન્ક દ્વારા કરવામાં આવ્યા હતા.

યસ બેન્ક થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ જેમ કે ફોન પે અને ભારત પે માટે યુપીઆઇ ટ્રાન્ઝેક્શનન્સનું કામકાજ પણ સંભાળે છે. આ ઉપરાંત ખાનગી ધિરાણકર્તા ક્લિયરટ્રિપ, એરટેલ, સ્વિગી, રેડબસ પીવીઆર અને ઉડાન જેવા  મહત્ત્વની કંપનીઓ માટે પણ પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઇડરની સર્વિસ પૂરી પાડે છે.  એક્સિસ અને એસબીઆઇની જેમ ડિજિટલ પેમેન્ટ્સમાં છેલ્લા કેટલાક સમયથી યસ બેન્કે અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે. જાન્યુઆરીમાં UPI  હેઠળ  કુલ નોંધાયેલા ટ્રાન્ઝેક્શન્સમાં યસ બેન્કનો હિસ્સો 39 ટકા હિસ્સો છે.

દેશના ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ નેટવર્કનું સંચાલન અને નિરીક્ષણ કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યસ બેન્કને તેની ગ્રિડ પરથી કાઢી મૂકી છે, એમ સૂત્રો કહે છે. એનો અર્થ એ થયો કે બેન્કના આઠ લાખ ક્રેડિટ કાર્ડહોલ્ડર્સ અને આશરે 28 લાખ ડેબિટ કાર્ડહોલ્ડર્સ તેમના કાર્ડનો ઉપયોગ કોઈ પણ સેલ ટર્મિનલ પરથી નહીં કરી શકે. આ ઉપરાંત તેમના માટે NEFT/IMPS સર્વિસિસ પણ હવે મુશ્કેલ બનશે.