ગૌતમ અદાણી 100 અબજ ડોલરની ખાસ ક્લબમાં સામેલ

બ્લુમબર્ગઃ સેન્ટિબિલિયોનર ક્લબમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો પ્રવેશ થયો છે. સેન્ટિબિલિયોનર ક્લબ એટલે એવા લોકોની ક્લબ છે, જેમની સંપત્તિ 100 અબજ ડોલરને પાર હોય છે. ભારતીય ઉદ્યોગપતિ આ ક્લબમાં સામેલ થનારા નવા સભ્ય છે, જેમના વેપારમાં પોર્ટ, ખાણ અને ગ્રીન એનર્જી જેવાં ક્ષેત્ર સામેલ છે.

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની સંપત્તિ 100 અબજ ડોલરને વટાવી ગઈ છે. તેમની સંપત્તિમાં આ વર્ષે 24 અબજ ડોલરનો વધારો થયો છે. અદાણી આ વર્ષના વિશ્વના સૌથી મોટા સંપત્તિ સર્જનમાં વધારો કરનારા એક છે. આ વર્ષની 24 અબજ ડોલરના વધારાની સાથે ગૌતમ અદાણી અન્ય નવ સભ્યોવાળા આ એલિટ ગ્રુપમાં સામેલ થયા છે.

દેશના મુકેશ અંબાણીની સંપત્તિ ઓક્ટોબર, 2021માં 100 અબજ ડોલરને પાર કરી ગઈ હતી, પણ તાજી આંકડા મુજબ અંબાણીની સંપત્તિમાં થોડો ઘટાડો થયો છે અને એ 99 અબજ ડોલરની નીચે સરકી છે. જોકે અદાણીની પ્રગતિ ઘણી શાનદાર રહી છે. તેમની સંપત્તિમાં આ વધારો મોટા ભાગે છેલ્લાં બે વર્ષોમાં થયો છે. ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વેપારમાં પગ મૂકવાનું તેમના માટે વરદાન સાબિત થયું હતું. તેમના બિઝનેસમાં વિશ્વની તમામ મોટી કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે, જેમાં ફ્રાંસની ટોટલ SE અને વોરબર્ગ પિકસ સામેલ છે.

અદાણી સાઉદી અરેબિયામાં ભાગીદારની શોધ કરી રહ્યા છે. અદાણી વિશ્વની સૌથી મોટી ઓઇલ નિકાસકાર કંપનીમાં હિસ્સો ખરીદવાની ફિરાકમાં છે. અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓએ 2020 પછી 1000 ટકા કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો છે.