નવી દિલ્હીઃ એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં નોકરી કરનારા પુરુષોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011-12 થી 2017-18 દરમિયાન આશરે 2 કરોડ જેટલા પુરુષોની નોકરી જતી રહી છે. આ જાણકારી નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના રિપોર્ટમાં સામે આવી છે. NSSO ની PLFS 2017-18 ના રિપોર્ટના રિવ્યુથી ખ્યાલ આવે છે કે વર્ષ 2017-18 દરમિયાન દેશમાં માત્ર 28.6 કરોડ પુરુષો જ કામ કરી રહ્યાં હતાં, જ્યારે વર્ષ 2011-12 માં આ સંખ્યા 30.4 કરોડ હતી.
આ રિપોર્ટને હજી સુધી સાર્વજનિક કરવામાં આવ્યો નથી. વર્ષ 1993-94 બાદ પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે ભારતમાં પુરુષ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો હોય. તે દરમિયાન 21.9 કરોડ લોકો કામ કરી રહ્યાં હતાં. આ આંકડાઓ જુલાઈ 2017 થી જૂન 2018 દરમિયાન એકત્ર કરવામાં આવ્યા છે.
શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પુરુષોમાં બેરોજગારીનો દર ક્રમશઃ 7.1 ટકા અને 5.8 ટકા છે. આ રિપોર્ટને NSC પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. પરંતુ NSC ના બે પ્રમુખ અધિકારીઓના રાજીનામા બાદ સરકારે આને પોતાની પાસે રાખ્યો છે.
રાજીનામું આપનારા અધિકારીઓમાં NSC ના પી.સી મોહનનનો પણ સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં કૃષિ ક્ષેત્રમાં શ્રમિકોની સંખ્યામાં થયેલા ભારે ઘટાડા પર પણ જોર આપવામાં આવ્યું છે. આ દરમિયાન ગ્રામીણ ભારતમાં 3 કરોડથી વધારે સામયિક શ્રમીકોની નોકરી ગઈ છે.
વર્ષ 2011-12 માં ગ્રામીણ સામયિક શ્રમીકોની સંખ્યા 10.9 કરોડ હતી. વર્ષ 2017-18 માં આ 3.2 કરોડ ઘટીને 7.7 કરોડ રહી ગઈ છે. આ ઘટાડો આશરે 30 ટકા જેટલો છે. તો આ સાથે જ સામયિક શ્રમથી વધારે કમાણી કરનારા ગ્રામીણ ઘરોની સંખ્યા પણ 3.6 કરોડથી ઘટીને 2.1 કરોડ રહી ગઈ છે.
ખેતરોમાં સામયિક શ્રમ કરનારા મજૂરોની સંખ્યામાં આશરે 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ સેગમેન્ટમાં રોજગારીમાં ઘટાડો થયો છે. પુરુષ અને મહિલા વર્ગમાં આ સેગ્મેન્ટથી રોજગાર ક્રમશઃ 7.3 ટકા અને 3.3 ટકા ઘટી ગયો છે.
સરકારનું કહેવું છે કે આ પ્રકારના આંકડાઓ પર કોઈ રાજનૈતિક દબાવ નથી હોતો. પરંતુ, દુનિયાના 108 અર્થશાસ્ત્રીઓએ ગત સપ્તાહે મોદી સરકારી કડક નિંદા કરી હતી. તેમનું કહેવું હતું કે સરકારની ખરાબ છબી દર્શાવનારા આંકડાઓને છૂપાવવા યોગ્ય નથી.
સરકારનો પક્ષ રજૂ કરતાં આર્થિક મામલાઓના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આર્થિક સર્વેક્ષણ સંશોધન તથ્યોના આધાર પર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અપવાદ દરેક જગ્યાએ હોય છે, પરંતુ સંશોધનનો આધાર વાસ્તવિક આંકડા જ છે.