મૂડીવાદથી  સમાજવાદ તરફની યાત્રાનાં દર્શન કરાવતું  બજેટ

ગરીબોને ઘણી રાહત, મધ્યમ વર્ગને નહીંવત રાહત અને અમીર વર્ગ પર બોજ નાંખતું આ બજેટ વધુ એકવાર નકકર  કરતા અધ્ધર વધુ જણાય છે. સ્ટોક માર્કેટે તો તાત્કાલિક  નિરાશા રૂપે  400 થી વધુ પોઈન્ટનો કડાકો બતાવી દીધો છે. આગામી દિવસોમાં પણ ઘટાડાની ચાલ જ ચાલુ રહેશે એવું માની શકાય. જો કે આમ બજાર બહુ ઘટે તો ધીમે-ધીમે ખરીદવાની તક શરૂ થયાનું પણ માની શકાય.

મોદી સરકાર દેશને કેપિટાલિઝમથી સોશ્યાલિઝમ (મુડીવાદ થી સમાજવાદ) તરફ લઈ જઈ રહી હોવાનો ઈશારો કરતું બજેટ મહિલા નાણાં પ્રધાન નિર્મલા સિતારમણએ શુક્રવારે રજુ કર્યુ તે પહેલાં  સંસદમાં ભરપુર ઉત્સાહ જોવાયો હતો અને લોકોમાં ઘણી જિજ્ઞાસા હતી. આપણા દેશમાં મહિલા નાણાં પ્રધાને બજેટ રજૂ કર્યુ હોવાનો આ પ્રથમ કિસ્સો હતો. જેમણે મહિલાઓ પર ખુબ સારી રાહતો અને પ્રોત્સાહનોની વર્ષા કરી છે. જો કે નાણાં પ્રધાને સમાજના દરેક વર્ગને આવરી લીધા છે, જેમાં ગરીબોને-ગ્રામીણજનોને વધુ રાહત-લાભ આપવાનો પ્રયાસ છે. જયારે વધુ સંપન્ન -સમૃધ્ધ લોકો પર કરબોજ વધાર્યો છે. મધ્યમ વર્ગને તેમણે મધ્યમાં જ રહેવા દિધા છે. આમ પણ ગયા બજેટમાં મધ્યમ વર્ગને આવક વેરામાં કંઈક રાહત આપી હતી, તેથી આ વખતે તેમને માટે વિશેષ કંઈ રાહત નથી.

જાહેર ક્ષેત્રની બેંકોને ટેકો

શેરબજારે બજેટને નકારાત્મક પ્રતિભાવ આપ્યો છે, કિંતુ બજાર માટે ખરાબ પગલાં નથી, પણ સાથે-સાથે બહુ સારી જાહેરાત પણ નથી, જેને લીધે બજાર ઘટયું છે. અર્થંતંત્રને નકકર યા તરત વેગ મળવાનું શરૂ થઈ શકે એવું પણ બજેટમાં ખાસ દેખાયું નથી. પરંતુ જો બજાર આ બજેટની લાંબા ગાળાની યા મધ્યમ ગાળાની અસરને પણ સમજે તો રોકાણના વિકલ્પ વધુ ખૂલ્યા છે. ચોકકસ રાહતો પરોક્ષપણે અપાઈ છે. જેમ કે યસ સિકયોરિટીઝના  હેડ અમર અંબાણી કહે છે કે સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને 70,000 કરોડની મુડી સહાય આપવાની વાત કરી છે તે બેંકો માટે પોઝિટિવ બાબત છે, આનાથી તેમની ધિરાણ શકિત વધશે, જેનો હાલ અભાવ છે.

યસ સિકયોરિટીઝના  હેડ અમર અંબાણી

સેકન્ડરી માર્કેટમાં પ્રવાહિતા ઘટશે

જો કે સેકન્ડરી માર્કેટમાં પ્રવાહિતાની ખેંચ  થશે, જયારે કે નવી ઓફરો વધશે.   ડિસઈન્વેસ્ટમેન્ટ માર્ગે સરકાર 1.05 લાખ કરોડ રૂપિયા આ વરસે ઊભા કરવા માગે છે, જેની ઓફરમાં રોકાણકારોને તક મળશે. આ ઉપરાંત હવેપછી સરકારી સિકયોરિટીઝમાં તેમ જ ટ્રેઝરી બિલ્સ જેવા સલામત સાધનોમાં પણ રિટેલ રોકાણકારો એકસચેંજ મારફત સીધું રોકાણ કરી શકશે.

મલ્ટીનેશનલ કંપનીઓ નારાજ

મલ્ટીનેશનલ કંપનીઓ કયાંક નારાજ થશે એવી જોગવાઈ  બજેટમાં છે, જેમાં પબિલ્ક શેરહોલ્ડીંગ 25 ટકાથી વધારી 35 ટકા કરવાની દરખાસ્ત છે. ઊંચુ પ્રમોટર હોલ્ડીંગવાળી કંપનીઓને પણ આ ગમે નહીં. કારણ કે તેઓ પોતાનો પ્રભાવ અને પ્રભુત્ત્વ જાળવી રાખવા માગતા હોય છે. એક ધારણા એવી મુકાય છે કે આને પગલે મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીય શેરબજારમાંથી ડિલિસ્ટ થવાનું પસંદ કરે એવું બની શકે. પબ્લિક શેરહોલ્ડીંગ વધવાથી સેકન્ડરી માર્કેટમાંથી નાણાં બહાર જશે અને તેના વેલ્યુએશનને અસર થશે એવું પણ મનાય છે.

કોર્પોરેટ ટેકસમાં રાહત

જો કે અંબાણી કહે છે કે હવેપછી 400 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ 25 ટકા કોર્પોરેટ ટેકસ ભરાનો થશે, જે અત્યારસુધી 250 કરોડ સુધીના ટર્નઓવરને લાગુ પડતો હતો. આમ બહુ ઓછી કંપનીઓ (સંભવત .7 ટકા કંપનીઓ જ 30 ટકાના કોર્પોરેટ  ટેકસમાં રહેશે. આ પગલું સારું અને આવકાર્ય છે.

ડિજિટલ ઈકોનોમીને વેગ

નાણાં પ્રધાને ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા વરસે એક કરોડ થી વધુ રોકડ ઉપાડ બેંકમાંથી બિઝનેસ હેતુસર કરનાર પર બે ટકાનો ટેકસ ડિડકટેડ એટ સોર્સ (ટીડીએસ) લાગુ થશે. આને કારણે ડિજિટલ પેમેન્ટ કરવાની હેબિટ વધતી જશે. આ સામે બજેટે ચોકકસ પ્રકારના ઓનલાઈન પેમેન્ટને અમુક ચાર્જમાંથી મુકિત પણ આપી છે. આનો લાભ એ થશે કે કંપનીઓ પોતાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરશે.

ઈલેકટ્રિક વાહનને રાહત

ઓટો સેકટરને રાહતની આશા હતી, કિંતુ બજેટે ઉપરથી પેટ્રોલ અને ડિઝલ પર લિટરદીઠ એક રૂપિયો ડયુટી વધારીને બોજ વધાર્યો છે. જો કે આની સામે ઈલેકટ્રિકક વાહનને પ્રોત્સાહન આપવા બજેટે ઘણી રાહત જાહેર કરી છે.

અમીરો પર વધુ બોજ

બજેટે સુપર રિચ કહી શકાય એવા હાઈ નેટવર્થ વ્યકિતઓ પરનો સરચાર્જ વધારીને તેમને આંચકો આપ્યો છે, (આપણે પ્રિ બજેટ લેખમાં આ સંકેત આપ્યો હતો) આ સરચાર્જ વધારી દેવાથી  આ હસ્તીઓનો અસરકારક વેરાદર 42 ટકા સુધી પહોંચી જશે. કે.આર.ચોકસી સિકયોરિટીઝ લિ. ના મેનેજિંગ ડિરેકટર દેવેન ચોકસી જણાવે છે કે લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક હોલ્ડીંગ 25 ટકાથી વધારીને 35 ટકા કરવાને લીધે એ પ્રમોટર્સે શેર વેચવા કાઢવા પડશે, જેને કારણે તેના ભાવ ઘટશે. આ બાબત બજારને અને તેમને પણ કનડશે. બીજીબાજુ સરકારને લોંગ ટર્મ કેપિટલ ગેઈનની આવક થશે.  આમ સરકારે ચાલાકી વાપરી કહી શકાય.

કે.આર.ચોકસી સિકયોરિટીઝ લિ. ના મેનેજિંગ ડિરેકટર દેવેન ચોકસી

એક અંદાજ મુજબ આશરે 140 કંપનીઓએ 9000 કરોડ રૂપિયા જેટલો કેપિટલ ગેઈન ટેકસ ભરવાનૌ આવી શકે. જયારે કે આ કંપનીઓમાં પબ્લિક શેરહોલ્ડીંગ વધારવા માટે 1.72 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે.

વિદેશી રોકાણકારોને સરળતા

વિદેશી રોકાણ આકર્ષવા ફાઈનાન્સ મિનિસ્ટરે તેમના પ્રત્યે ઉદાર વલણ વધાર્યુ છે. તેમની નોંધણીમાં  રાહત આપી હોવા ઉપરાંત કેવાયસી (નો યોર કસ્ટમર)ધોરણોમાં સરળતા કરી છે.આને કારણે એફઆઈઆઈ (ફોરેન ઈન્સ્ટીટયુશન ઈન્વેસ્ટરો) ને રાહત થશે, જયારે કે પી-નોટસ મારફત રોકાણની જરૂર ઘટશે. આ ઉપરાંત વધુ સીધું વિદેશી રોકાણ આકર્ષવા બજેટે એવિએશન, ઈન્સ્યુરન્સ, મિડીયા સેકટરમાં 100 ટકા રોકાણની છુટ આપી છે. આ સાથે સિંગલ બ્રાન્ડ રિટેલ સેકટરમાં પણ વિદેશી રોકાણની લીલીઝંડી આપી છે. સરકારે કરેલા નિર્ણય મુજબ હવે પછી સરકાર દર વરસે ગ્લોબલ ઈન્વેસ્ટર મીટનું આયોજન કરશે. આની લાંબા ગાળે ભારત પર સારી અસર જોવા મળશે.   આમ પણ હાલ વૈશ્વિક સ્તરે ભારત એક આકર્ષક રોકાણ ડેસ્ટીનેશન કહેવાય છે.

એનબીએફસીને મલમપટ્ટી

એનબીએફસી (નોન-બેન્કિગ ફાઈનાન્સ કંપનીઝ) ને પ્રવાહિતામાં રાહત આપવા બજેટે એક એવી જાહેરાત કરી છે કે જાહેર ક્ષેત્રની બેંકો એક લાખ કરોડ સુધી હાઈ રેટેડ લોન એનબીએફસી પાસેથી ખરીદશે, જેને સરકાર એક સમયની છ મહિના માટે પ્રથમ દસ ટકા સુધીની લોસ સામે  ક્રેડિટ ગેરેન્ટી આપશે. આને પગલે એનબીએફસીને નાણાં પ્રવાહ મળશે. એનબીએફસીને હવે બજેટે સંપૂર્ણ પણે રિઝર્વ બેંક હેઠળ મુકી દીધી છે. અત્યારસુધી આ કંપનીઓ પર રિઝર્વ બેંકને આંશિક સત્તા જ હતી, હવે તેનું રિઝર્વ બેંક વધુ કડક ધ્યાન રાખી શકશે. આ ઉપરાંત હાઉસિગ કંપનીઓના તાજેતરના લોચાને ધ્યાનમાં રાખી સરકારે નેશનલ હાઉસિંગ બેંકને સ્થાને રિઝર્વ બેંકને તેની પણ નિગરાની-રેગ્યુલેશન સોંપી દીધું છે. આમ આ બે સેકટર પરનું નિયમન વધુ મજબુત બનશે.

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળે એ ઉદેશથી બજેટમાં ઘણી આઈટમ્સની કસ્ટમ ડયુટી વધારી દેવાઈ છે. જેથી સ્થાનિક ઉત્પાદકોને બુસ્ટ મળે. ચોકકસ સેકટરમાં મેગા પ્લાન્ટ સ્થપાય તેવું સરકાર ઈચ્છે છે. જે માટે સરકાર રાહત આપવા રાજી છે.  આમ સરકાર વિદેશી હુંડીયામણ બચાવવા માગે છે અને સ્થાનિક સ્તરે રહેલું સોનું બહાર આવે એવું વિચારે છે.

એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન

બજેટે એફોર્ડેબલ હાઉસિંગને રાહત આપી છે, કિંતુ ઓવરઓલ રિઅલ એસ્ટેટ સેકટરને કંઈ નકકર આપ્યું નથી. અલબત્ત, બજેટ રેન્ટ હાઉસિગને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવતું હોવાનું સ્પષ્ટ થાય છે. આ માટે ટુંકમાં ચોકકસ નીતિ આવશે. વિદેશોની જેમ અહીં પણ ભાડાના ઘરમાં રહેવાનો ટ્રેન્ડ વિકસે તો નવાઈ નહી.આ માટે સરકાર મોડેલ ટેનન્સી કાનુન તૈયાર કરશે. એફોર્ડેબલ હાઉસિંગ માટે સરકાર ખાનગી કંપનીઓનો સહયોગ લેશે એવું પણ કહેવાયું છે.

નાના વેપારીઓને પેન્શન

સરકારે આપેલા વચન મુજબ રિટેલ વેપારીઓઅના લાભમાં બજેટે પેન્શન સ્કીમ જાહેર કરી છે. આનો લાભ આશરે ત્રણ કરોડ વેપારીઓને મળશે. વાર્ષિક દોઢ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ આ માટે પાત્ર ગણાશે. આની જરૂરીયાતમાં પણ માત્ર આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવા આવશ્યક રહેશે.

આધાર જ મુખ્ય આધાર

એક મહત્ત્વની બાબતમાં બજેટે હવે આધાર કાર્ડને જ મહત્ત્વનો દસ્તાવેજ બનાવી દીધો છે. જયાં પેન કાર્ડ નહીં હોય ત્યાં આધાર કાર્ડ ચાલશે. ઈન્કમ ટેકસ રિટર્ન ભરવા માટે પણ પેન નંબર વિના કામ ચાલી જશે.

સ્ટાર્ટઅપ અને બોન્ડ માર્કેટને બુસ્ટ

ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ માટે બજેટે લોંગટર્મ બોન્ડ માર્કેટ વિકસાવવા પર ભાર મુકયો છે. આને પગલે કોર્પોરેટ બોન્ડ માર્કેટ વધુ ગહન બનશે.  સ્ટાર્ટઅપ્સ માટે  બજેટે કર રાહતો તો આપી જ છે, કિંતુ આ સાથે તેમની માટે માર્ગદર્શક રૂપ ખાસ ટીવી ચેનલ કાર્યક્રમ પણ જાહેર કર્યો  છે. જેના પર સતત સ્ટાર્ટઅપમાં રસ ધરાવતા વર્ગને તમામ પ્રકારનું માર્ગદર્શન મળતું રહેશે.  ર્સ્ટાઅપ સામે ઉભેલા વિવાદના ઉકેલ માટે પણ સરકાર યોજના વિચારી રહી છે. એક મહત્ત્વની બાબત માં જે હસ્તી ઘર વેચીને તે રકમમાંથી સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે તો તેને કેપિટલ ગેઈન ટેકસમાંથી મુકિત મળશે એવી જાહેરાત કરાઈ છે. એન્જલ ટેકસના વિવાદમાંથી પણ સ્ટાર્ટઅપને રાહત મળી જાય એવી જિગવાઈ સરકારે વિચારી છે. ગિફટ સિટીમાં સ્થપાયેલા ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સેન્ટરમાં કંપની સ્થાપનારને પણ કર રાહત સ્વરપે નોંધપાત્ર પ્રોત્સાહન  ઓફર કરાયા છે.

સોશ્યલ સ્ટોક એકસચેંજ

ભારત સરકારે પહેલીવાર સોશ્યલ સ્ટોક એકસચેંજનો ખયાલ આ બજેટ મારફત મુકયો છે. આનો અમલ બંગ્લાદેશમાં કયારનો શરૂ થયો છે અને ઘણેખરે અંશે સફળ રહયો છે. આપણા દેશમાં હવે સામાજીક સંગઠનો કે સાહસો પણ મુડીબજારમાંથી ફંડ મેળવી શકશે. આ માટે સોશ્યલ સ્ટોક એકસચેંજ સ્થપાશે. આ એકસચેંજમાં લિસ્ટીંગના ખાસ ધોરણો હશે. આ સાહસોના હેતુ નફાનો હોતો નથી, કિંતુ સામાજીક યા  વેલ્ફેર સાહસ મારફત તેઓ સમાજના હિતમાં કાર્ય કરે છે, જેનો લાભ સમાજને રોજગારી સહિત વિવિધ રીતે મળે છે. આ એકસચેંજ પર ઈકિવટી , ડેટ કે મ્યુચ્યુઅલ ફંડ માર્ગે તેઓ ફંડ ઊભું કરી શકશે.