નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની બીજીવારની રચના પછી તેમણે આગામી પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને પાંચ હજાર અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પરંતુ અર્થવ્યવસ્થામાં જે સંકટ દેખાઈ રહ્યાં છે તે જોતાં આ લક્ષ્ય હાંસલ કરવા અંગે પ્રશ્નો ઉભા થયાં છે.
ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર સી રંગરાજનના જણાવ્યા મુજબ અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. તેમણે કહ્યું કે વર્તમાન વિકાસ દરથી 2025 સુધીમાં 5,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા થવાનો કોઈ સવાલ નથી. દેશમાં આર્થિક વિકાસની ગતિ ઓછી થઈ રહી છે અને નાણાકીય વર્ષ 2019માં વિકાસ દર ઘટાડીને 6.8 ટકા કરી દેવામાં આવ્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2016માં 8.2 ટકા હતો.
સી રંગરાજને કહ્યું કે, હાલ આપણી અર્થવ્યવસ્થા 2700 અબજ ડૉલર છે અને પાંચ વર્ષમાં બમણી કરવા નવ ટકાના દરે વિકાસ જરૂરી છે. આવી સ્થિતિમાં, 2025 સુધીમાં 5000 કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા થવાનો સવાલ નથી. આઈબીએસ-આઇસીએફએઆઇ બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં રંગરાજને કહ્યું કે, તમે બે વર્ષ ગુમાવ્યાં છે. આ વર્ષે આ વૃદ્ધિ દર છ ટકાથી નીચે જઇ રહ્યો છે, જ્યારે આવતા વર્ષે તે સાત ટકાની આસપાસ રહેશે. આ પછી, અર્થતંત્ર ગતિ મેળવી શકે છે.
તેમણે કહ્યું કે, જો દેશનું કુલ સ્થાનિક ઉત્પાદન (જેડીપી) $ 5,000 અબજ સુધી પહોંચે છે, તો દેશમાં માથાદીઠ આવક વર્તમાન 1,800 થી વધીને 3,600 ડૉલર થઈ જશે. તેમ છતાં દેશ નીચા મધ્યમ આવકવાળા દેશોની શ્રેણીમાં રહેશે. રંગરાજને કહ્યું, “વિકસિત દેશની વ્યાખ્યા એવા દેશની છે કે જેની માથાદીઠ આવક વાર્ષિક 12,000 ડૉલર આવક છે. જો આપણે નવ ટકાના દરે વૃદ્ધિ પામીએ તો પણ તેને પ્રાપ્ત કરવામાં 22 વર્ષનો સમય લાગશે.