મુંબઈ- નાણાકીય વર્ષ 2019-20માં સપ્ટેમ્બર સુધીમાં નાણાંકીય સેવા સેક્ટરમાં બમ્પર નવી નોકરીઓ ઉભી થવાની સંભાવના છે. એક સર્વે અનુસાર આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આ સેક્ટરમાં અંદાજે 47,800 નવી નોકરીઓ પેદા થશે. તેનું કારણ એ છે કે, બેંકો અને NBFCs તેમના કારોબારને વિસ્તારિત કરવા પર ફોક્સ વધારી રહી છે.
ટીમલીઝ સર્વિસિસમાં BFSI વર્ટિકલના પ્રમુખ અમિત વડેરાએ કહ્યું કે, NBFC સેક્ટર સંકટમાં હોવાછતા નાણાંકીય સેવા સેક્ટરમાં ઘણી સારી તકો જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે, આ સેક્ટરની કંપનીઓ ગ્રામીણ વિસ્તારોમાં તેમની પકડ મજબૂત કરવા પર ભાર મુકી રહી છે. જેથી નાના શહેરોમાં રોજગારીની તકો ઉભી થશે.
એપ્રિલથી જૂન દરમિયાન ટીયર-2 શહેરોમાં ભરતીના દરમાં 5 ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. જ્યારે ટીયર-3 અને ગ્રામીણ વિસ્તારોમાં 2 ટકાના દરે વૃદ્ધિ સંભવ છે. આમાં નાણાંકીય સેવાની ભૂમિકા મહત્વની હશે. વડેરાએ કંપનીના ‘એમ્પ્લોયમેન્ટ આઉટલુક’ રિપોર્ટના હવાલેથી આ વાત કહી હતી.
શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો, સૌથી વધુ 5420 રોજગારીની તકો દિલ્હીમાં પેદા થઈ શકે છે. બીજા નંબર પર મુંબઈ છે જ્યાં 5380 નોકરીઓની તકો ઉભી થઈ શકે છે. આ રિપોર્ટ અનુસાર બેંક તેમના કામકાજને ડિજિટલ બનાવી રહી છે, જેથી રોજગારીની તક ઉભી થઈ રહી છે.
આ રિપોર્ટ અનુસાર વરિષ્ઠ પદને છોડીને મોટાભાગના સ્તર પર ભરતીનો દર સારો રહેશે. મધ્યમ સ્તર પર ભરતી 4 ટકાના દરે વધશે. પ્રારંભિક સ્તર પર નોકરીઓમાં 3 ટકાના દરે વધારો થશે. મધ્યમ કદના બિજનેસમાં 3 ટકાનો ગ્રોથ અને મોટા બિજનેસમાં 2 ટકાનો ગ્રોથ રહી શકે છે.
રોજગારીની આ તકોમાં એન્જિનિયરિંગ (5 ટકા), ઓફિસ સેવા (4 ટકા), બ્લુ કોલર (4 ટકા) અને માર્કેટિંગ (3 ટકા) જેવા સેક્ટરો સામેલ થવાનો અંદાજ છે. સર્વે અનુસાર આઈટી અને સેલ્સ જેવા ક્ષેત્રોમાં ભરતીનો દર સ્થિર રહેવાની આશા છે.
આ રિપોર્ટમાં એક વાત સામે આવી છે કે, કર્મચારીઓને યથાવત રાખવાના દરમાં જોરદાર ઘટાડો થયો છે. ઓક્ટોબરથી માર્ચ 2018-19 દરમિયાન 19માંથી 5 સેક્ટર્સમાં આ દર સૌથી સારો રહ્યો છે, જેમાં કૃષિ અને એગ્રોકેમિકલ, એજ્યુકેશન, એફએમસીજી, નાણાકીય સેવા અને રિટેલ સેક્ટરનો સમાવેશ થાય છે.