નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કરોડો લોકોને એક મોટો આંચકો લાગવાનો છે. PF પર મળતા વ્યાજના દરને લઈને આ મહિને નિર્ણય થવાનો છે. એવી આશંકા છે કે PF પર વ્યાજને ચાલુ વર્ષ માટે ઓછા કરવામાં આવે એવી શક્યતા છે. એ સમાચાર નિરાશાજનક છે, કેમ કે હજી પહેલાંથી PF પર 43 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ મળી રહ્યું છે.
હાલ EPFOના સાડાછ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ત્યાં PF પર મળતા વ્યાજના દર કેટલાક દાયકાઓના સૌથી નીચા સ્તર પર છે. EPFOએ 2021-22 માટે PFના વ્યાજના દર 8.1 ટકા નક્કી કર્યો હતો, જે 1977-78 પછી PFનો સૌથી ઓછો દર છે. આ પહેલાં 2020-21માં PF પર 8.5 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21માં PFના વ્યાજના દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એના એક વર્ષ પહેલાં 2019.20માં એ વ્યાજદરને 8.65 ટકા કર્યો હતો.
EPFOની બેઠક 25-26 માર્ચે થવાની છે, જેમાં વ્યાજ વિશે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. PF પર વ્યાજને હવે ઘટાડીને આઠ ટકા કરવામાં આવે એવી શક્યતા છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પહેલાં મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી છે.
EPFO PF ખાતાધારકોના ખાતામાં જમા થતી રકમને અનેક જગ્યાએ મૂડીરોકાણ કરે છે. એ મૂડીરોકાણ પર થતી કમાણીના એક હિસ્સાને વ્યાજના રૂપે ખાતાધારકોને રિટર્ન આપી છે. EPFO 85 ટકા ડેટ ઓપ્શનમાં ઇન્વેસ્ટ કરે છે, જેમાં સરકારી સિક્યોરિટી અને બોન્ડ સામેલ છે. બાકીના 15 ટકા ETFમાં રોકે છે. ડેટ અને ઇક્વિટીમાં થતી કમાણીને આધારે PFનું વ્યાજ નક્કી કરવામાં આવે છે.