ન્યૂયોર્કઃ ટેસ્લા, સ્પેસ એક્સ અને ટ્વિટર કંપનીઓના માલિક ઈલોન મસ્કે દુનિયાના નંબર-1 શ્રીમંતનું બિરુદ ફરીવાર મેળવ્યું છે. એમણે દુનિયાના ટોચના 10 શ્રીમંતોની યાદીમાં ફ્રાન્સના ઉદ્યોગપતિ અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગૂડ્સ કંપની લૂઈ વિટનના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટને બીજા ક્રમે ધકેલી દીધા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઈલોન મસકની કુલ સંપત્તિ હાલ અંદાજે 192 અબજ ડોલર છે. જ્યારે આર્નોલ્ટની સંપત્તિ આશરે 186 અબજ ડોલર છે. આર્નોલ્ટની સંપત્તિમાં 2.6 ટકાનો ઘટાડો થતાં એ મસ્ક કરતાં પાછળ રહી ગયા છે. આર્નોલ્ટે ગયા વર્ષના ડિસેમ્બરમાં મસ્ક કરતાં આગળ નીકળી ગયા હતા, પરંતુ પાંચ મહિનામાં મસ્ક ફરી એમનાથી આગળ નીકળી ગયા છે.
જોકે અમેરિકાના અન્ય બિઝનેસ સામયિક ફોર્બ્સની ‘દુનિયાના સૌથી ધનવાનો’ની યાદીમાં હજી પણ મસ્ક 180 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે અને આર્નોલ્ટ 211 અબજ ડોલરની નેટ વર્થ સાથે પહેલા નંબરે છે.