નવી દિલ્હીઃ દેશમાં રિટેલ ખાદ્ય તેલની કિંમતો નવો પાક આવ્યા પછી અને વૈશ્વિક કિંમતોમાં સંભવિત ઘટાડાની સાથે ડિસેમ્બરથી ઘટવાની શરૂ થઈ જશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે ભારત પોતાની જરૂરિયાતોના 60 ટકા ખાદ્ય તેલોની આયાત કરે છે. વૈશ્વિક ઘટનાક્રમને લીધે દેશમાં ખાદ્ય તેલોની રિટેલ કિંમતો ગયા એક વર્ષમાં 64 ટકા વધી હતી.વાયદા બજારમાં ડિસેમ્બરમાં ડિલિવરીવાળા ખાદ્યતેલોની કિંમતોમાં ઘટાડાના વલણને જોતાં એવું લાગી રહ્યું છે કે રિટેલ કિંમતોમાં ઘટાડો શરૂ થઈ જશે, પરંતુ કોઈ નાટકીય ઘટાડો નથી થાય, કેમ કે વૈશ્વિક દબાણ બનેલું રહેશે, એમ તેમણે કહ્યું હતું.
ઘરેલુ બજારોમાં ખાદ્ય તેલોમાં ઝડપી વધારાનું કારણ જણાવતાં સચિવે કહ્યું હતું કે એક મુખ્ય કારણ એ છે કે કેટલાય દેશો સંસાધનોનો ઉપયોગ કરતાં જૈવિક ઈંધણ નીતિને આક્રમક રીતે આગળ વધારી રહ્યા છે. એનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતો વધી છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે મલેશિયા અને ઇન્ડોનેસિયા જે ભારતને પામ તેલના મુખ્ય સપ્લાય કરતા દેશો છે –એ દેશો જૈવિક ઈંધણ નીતિ માટે પામતેલનો ઉપયોગ કરી રહ્યા છે. એ જ રીતે અમેરિકા પણ સોયાબીનનો જૈવિક ઈંધણ બનાવવા માટે ઉપયોગ કરી રહ્યું છે.
ભારતમાં મોટા ભાગે પામતેલ અને સોયાબીન તેલની આયાત કરવામાં આવે છે. ભારતીય બજારમાં પામ તેલનો હિસ્સો આશરે 30-31 ટકા, જ્યારે સોયાબીન તેલનો કિસ્સો 22 ટકા છે. આવામાં વિદેશોમાં કિંમત વધવાની અસર ઘરેલુ બજાર પર પડે છે. ગયા સપ્તાહે સોયાબીન તેલની વૈશ્વિક કિંમતોમાં 22 ટકા અને પામતેલમાં 18 ટકાનો વધારો થયો છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SDA)ના ડેટા અનુસાર નવેમ્બર, 2020 અને જુલાઈ, 2021ની વચ્ચે 93,70,147 ટન ખાદ્યતેલની આયાત કરી છે.