મુંબઈ – ઍર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં હવેથી જમવાનું મળશે ઈકો-ફ્રેન્ડલી પેકિંગમાં અને કેળાંની ચિપ્સ તેમજ સેન્ડવિચનું પેકિંગ બટર પેપરમાં મળશે! કેમ કે, આ કેન્દ્ર સરકાર સંચાલિત એરલાઈન આગામી 2 ઑક્ટોબરથી સિન્ગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની છે!
‘પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા હવે અમે મહત્વનું પગલું ભરવાના છીએ. પ્લાસ્ટિક વપરાશને કારણે પર્યાવરણ દૂષિત થાય છે અને લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર થાય છે. આથી આગામી બીજી ઑક્ટોબરે ગાંધી જયંતિના ઉપલક્ષમાં અમે સિન્ગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે, બૅગ્ઝ, કપ તેમજ સ્ટ્રૉનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના છીએ.’ એવું ઍર ઈન્ડિયાના એક ટોચના અધિકારીએ આજે આમ જણાવ્યું છે.
આ પ્રતિબંધ પહેલા ચરણમાં ઍર ઈન્ડિયાની પેટા-એરલાઈન, જેમ કે ઍર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઍલાયન્સ ઍરની તમામ ફ્લાઈટ્સ ઉપર લાગુ કરવામાં આવશે અને બીજા ચરણમાં ઍર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં લાગુ કરાશે.
ઍર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં મળતું ભોજન સ્ટીલની કટલરીમાં મળશે. જ્યારે પેસેન્જરે અગાઉથી ઓર્ડર કરેલું સ્પેશિયલ ફુડ ઈકો-ફ્રેન્ડલી પેકિંગમાં પાર્સલ મળશે.
કેળાંની ચિપ્સ તેમજ સેન્ડવિચનું પેકિંગ પ્લાસ્ટિકને બદલે બટર પેપરમાં અપાશે. કેકની સ્લાઈસને બદલે હવે મફીન્સ રાખવામાં આવશે. જેથી પ્લાસ્ટિકનું રૅપર ટાળી શકાય.
પ્લાસ્ટિક ટમ્બ્લરને સ્થાને પેપર ટમ્બ્લર આવશે. ચા હવે નક્કર કાગળના કપમાં પીરસવામાં આવશે.
આ પરિવર્તન ઍર ઈન્ડિયાના દરેક વિભાગ જેમ કે, કેટરિંગ, ઈન-ફ્લાઈટ સર્વિસ, MMD અને સ્ટેશન/ઍરપોર્ટ પર લાગુ કરવામાં આવશે.
બીજી ઓક્ટોબરથી સિંગલ-યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો ઉપયોગ બંધ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં કરેલી અપીલના પ્રતિસાદમાં એર ઈન્ડિયા વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.